વીરપસલી વ્રત કથા (Veer Pasli Vrat Katha)
વીરપસલી વ્રતની વિધી
શ્રાવણ માસ આવે અને શ્રાવણ માસનો પહેલો રવિવાર આવે એ રિવવારથી આ વ્રત લેવાય અને એ પછીના બીજા રવિવારે આ વ્રત પૂર્ણ થાય.
ભાઈની પહેનો આ વ્રત ભાઈના કલ્યાણ માટે કરે છે. ભાઈ પોતાની બહેનને શક્તિ પ્રમાણે ભેટ આપે છે.
વીરપસલી વ્રત કથા/વાર્તા
એક ડોશી હતાં.
એમને સાત દિકરા અને એક દીકરી હતી. ડોશીએ સાતેય દીકરા અને દીકરીને પરણાવ્યા હતા પણ સાસરવાસમાં કોઈ કારણથી દીકરીને અણબનાવ થયો.
મનદુઃખ થયું અને દિકરી પિયર પાછી આવી અને પછી તો ત્યાં જ રહેવા લાગી.
ડોશીના સાતેય દીકરાઓમાં છ મોટાં દીકરાઓ ધંધા કરી સુખી થયા અને વખત જતાં પોતાના કુટુંબ કબીલા સાથે ડોશીમાંથી જુદા રહેવા જતાં રહ્યાં.
નાનો દીકરો અને વહુ એ બે જણ ડોશીમાં સાથે રહે. સાથે નાની બહેન પણ રહે. નસીબની
એવી કમનસીબી કે નાના દિકરાને ધંધામાં બે પાંદડે થવા ન દે. આમને આમ દિવસો વીતવા લાગ્યા.
જએક દિવસ નાની બહેન ડોશીમાંની દીકરીને થયું કે લાવ મારા નાના ભાઈની સ્થિતિ નબળી છે તો તેમના ઉપરથી મારો બોજો થોડો હલકો થાય તેમ હું કરું.
આમ વિચારી બહેન તો પોતાના છ મોટા ભાઈઓ પાસે કામ માટે ગઈ. પણ કોણ સામે જુએ ? ભાભીઓએ જાકારો આપ્યો. ભાઈઓએ જાકારો આપ્યો.
બહેન તો નિરાશ થઈ ગઈ. એરે…….. જેના સાત સાત ભાઈઓ હોય એ બહેનને કદી ઓશિયાળાપણું હોય ? હું જે અભાગણી છું. આમ નિરાશ થઈ બહેન જવા લાગી.
ત્યાં એક ભાઈએ કહ્યું,‘બહેન પોતાના નાના ભાઈને ટેકો થશે એમ વિચારી કામ સ્વીકારી લીધું.’
સવારથી સાંજ સુધી બહેન તો ઢોરાં ચરાવવા જાય છે અને સાંજે જ્યારે ઘરે આવે છે ત્યારે ભાભી જે કાંઈ એઠું-જૂઠું વધ્યું- ઘટ્યું હોય તે આપે અને નાની બહેન તે ઘરે લઈ જઈને ખાય.
આમને આમ સમય વીતવા લાગ્યો.
એક દિવસ બહેન જ્યારે ઢોરાં લઈને ચરાવવા બહાર જતી હોય છે ત્યારે નદી કિનારે કેટલીક છોકરીઓને પૂજા પાઠ કરતી જોઈને હસતી ગાતી જોઈને બહેન તો ત્યાં ગઈ અને પૂછ્યું,‘બહેનો ! તમે આ શું કરો છો ?’
પેલી છોકરીઓ કહે, અમારે વીરપસલીનું વ્રત છે. આજે વીરપસલીના દિવસે ઘેરા લીધા છે તે અમો અમારાં ભાઈને બાંધીશું અને ભાઈનું કલ્યાણ થાય તેવી ભાવના સાથે આશિષ આપીશું.’
આવું સાંભળીને નાની બહેને કહ્યું,‘આ ઘેરા બાંધવાથી ભાઈને શું લાભ ?’
પેલી છોકરીઓ કહે,‘ભાઈને અમે દોરો બાંધીશું ભાઈ અમને ભેટ આપશો અને અમે ભાઈ ને અંતરના આશીર્વાદ આપીશું જેથી ભાઈનું આખું વર્ષ સારું અને સુખમાં જાય.’
આવું સાંભળી નાની બહેન તો ખુશખુશાલ થઈ ગઈ અને બોલી, તો…તો બહેનો : મને પણ જો તમે આ વ્રત કેવી રીતે થાય અને તેની વિધઇ કેમ કરાય તે કો તો હું પણ મારા ભાઈના ભલા માટે વીરપસલીનું વ્રત કરું.
પેલી છોકરીઓએ કહ્યું,“આઠ સેરવાળો દોરો લઈ તેમાં આઠ ગાંઠો વાળવી પછી એક રવિવારથી બીજા રવિવાર સુધી આઠ દિવસ રોજ સવારે આ ઘેરાને ધૂપ દેવો અને ધૂપ દીધા પછી જ જમવું.
આમ આઠ દિવસ પૂરા થાય પછી આ દોરો પીપળે બાંધવો.” આમ કહી એક છોકરીએ નાની બહેનને આઠ સેરવાળો ઘેરો આપ્યો અને કહ્યું,“
આમાંથી એક ઘેરો તારા ભાઈને કાંડે બાંધ જે અને બાકીના ઘેરાને આઠ દિવસે વીરપસલીનું વ્રત પૂર્ણ કરી આઠ દિવસ સુધી ધૂપ દઈ પીપળે બાંધજે.”
પેલી છોકરીઓના કહ્યા મુજબ એજ દિવસે રવિવાર હતો. તેથી નાની બહેને તો વીરપસલીનું વ્રત શરૂ કરી દીધું. પોતાની માને કહ્યું,“માં, મેં આજથી વીરપસલીનું વ્રત લીધું છે. માટે આ ઘેરો તમને આપું છું.
મારે આખો દિવસ ઢોર ચરાવવા જવાનું હોવાથી તમે આ ઘેરાને આવતા રવિવાર સુધી આઠેય દિવસ ધૂપ આપજો.”
નણંદે વ્રત લીધું છે તેવું પેલી અદેખી ભાભીઓને ખબર પડી અને તેમાંની એક કોઈ બહાનું કાઢી નણંદ ના ઘરે આવી. જોયું તો નણંદબા નહાવા ગયા છે અને ડોશીમા કામમાં છે.
આવો લાગ જોઈને પેલી ભાભીએ તો જ્યાં દેવતા સળગતો હતો ત્યાં જઈ ચૂલામાં પાણી નાંખી દેવતા ઓલવી નાખ્યો….ઠારી નાંખ્યો.
બહેન તો નાહી, ધોઈને ઘરે આવી. ઘેરાને ધૂપ આપવા જ્યાં ચૂલા પાસે જઈને જુએ છે તો ચૂલો ઠરેલો છે. કોઈએ
અંદર પાણી નાંખ્યું છે. બહેન તો મા પાસે ગઈ અને કહ્યું, “માં, આ દેવતા કોણે ઠારી નાંખ્યો ?’
ડોશી બોલ્યા,“રામ જાણે..! હું તો બાર કામમાં છું.
પણ હમણા મોટી વહુ આવી હતી. ચોક્કસ તેણે જ દાઝની મા પાણી નાંખી દેવતા ઠારી નાખ્યો હશે…દીકરી જેના જેવ કરમ…આપણું બૂરું કરનારનુંય ભગવાન ભલું કરે.
જા દીકરી…પડોશમાંથી દેવતા લઈ આવ એ ઘેરાને ધૂપ દઈ દે” માના કહેવાથી બહેન પાડોશીના ત્યાંથી દેવતા લઈ આવી અને ઘેરાને ધૂપ દીધો.
આમ બહેનો તો પોતાના ભાઈની કલ્યાણ ભાવનાથી વીરપસલીના દોરાને આઠ દિવસ સુધી ધૂપ દીધો પછી માને કહ્યું,“મા, આજે મારું વ્રત પુરું થાય છે માટે ઉજવણું કરવું છે.
હું સાતેય ભાઈઓને દોરા બાંધવા જાઉં છું.”
આમ કહીને બહેન તો ભાઈઓ પાસે ગઈ. દરેક ભાઈને વીરપસલીનો ઘેરો જમણા હાથના કાંડે બાંધ્યો.
પહેલા છએ ભાઈઓને દોરા બાંધ્યા પણ તેમાંથી એકેય ભાઈએ બહેનને વીરપસલીની ભેટ આપી નહી. બહેન તો નિરાશ થઈ મનમાં વિચાર કરતી છેવટે નાના ભાઈ પાસે ગઈ.
મનમાં બોલી “ભલે ભગવાન મારા ભાઈઓએ મને કાંઈ ન આપ્યું પણ આપ એમનું કલ્યાણ કરજો.”
છેવટે નાના ભાઈની પાસે આવી અને ભાઈને વીરપસલીનો દોરો બાંધ્યો.
નાના ભાઈએ બહેનને પૂછ્યું,“બહેન ! બોલ તને ભેટમાં શું આપું ?
બહેન તું તો જાણે છે કે મારી સ્થિતિ કેવી છે અત્યારે તો તારો નાનો ભાઈ કંગાલ છે.’ આટલું બોલતાં તો નાનાભાઈની આંખમાં ઝળઝળિયાં આવી ગયા.
બહેને ભાઈને આશ્વાસન આપી કહ્યું,“ભાઈ !
તારી પાસે કાંઈ માંગવું નથી…તેમ છતાં તું જે કાંઈ આપીશ તે હું આનંદથી સ્વીકારી લઈશ.”
ભાઈએ ખુશ થતાં મુઠ્ઠી ભરી જાર પોતાની બહેનન આપી.
તથા પોતાની પાસે એક આનો હતો તે અને એક માટીનું ઢેકું આપ્યું. આટલું આપતાં તો ભાઈની આંખમાંથી ફરીથી આંસુ વહેવાં લાગ્યાં.
પોતાના ભાઈને રડતો જોઈને બહેન બોલી,‘ભાઈ !
ભલે તે મને જે કાંઈ આપ્યું છે તે મારા માટે તો સવા લાખનું છે.
તું મનમાં દુ:ખી થઈશ મા, તારી મુઠ્ઠી ભર મારા માટે ઘઉંની ગુણ બરાબર છે. તારો આપેલો એક આનો મારા માટે સો રૂપિયા સમાન છે અને માટીનું ઢેકું ગોળના રવા બરાબર છે.”
આમ ભાઈનું મન હળવું કરી બહેન ખરા અંતઃકરણથી “ભાઈનું કલ્યાણ થાએ.”
એમ ઈચ્છીને ભાઈના કપાળમાં કંકુનું તિલક કર્યું. અને આશિષ આપી પોતાની મા પાસે ગઈ. માએ દીકરીને કહ્યું,“દીકરી આમ તો જો કોણ આવ્યું છે ?”
બહેનને તેડવા તેનો પતિ આવ્યો હતો.
બહેન તો સાસરે જવાનુ જાણી આનંદથી ઘેલી ઘેલી બની ગઈ. માએ કહ્યું,“જા બેટા ! કરેલા બધા જ કર્મોનું ફળ અહીં જ મળે છે. તે ખરા મન અને શ્રદ્ધાથી વ્રત કર્યું અને એના પ્રભાવથી આજ જમાઈ તને તેડવા આવ્યા.
સારું કર્મ કર્યું હોય કે ખરાબ કર્મ તેનું ફળ તો અવશ્ય મળે જ છે. સારું કર્મ કરીએ તો સારું ફળ મળે અને ખરાબ કર્મ કર્યું હોય તો તેનું ફળ પણ તેવું જ મળે. (શિક્ષાના રૂપમાં) જા બેટી તૈયાર થા.”
આમ કહીને મા તો ચાલી પોતાના છએ મોટા દીકરાઓને ત્યાં. ત્યાં જઈ તેમની બહેન સાસરે જાય છે તેવી વાત કરી અને કહ્યું,“દીકરી સાસરે જાય છે તો આપણે તેને કાંઈક આપવું જોઈએ.
મારી પાસે તો કાંઈ છે નહી પણ તમે બધા ભાઈઓ થોડું થોડું કરી આપોતો ઘણું કરી દીકરીને સાસરે વળાવીએ.” આ સાંભળી છએ વહુઓએ ફાટેલાં તૂટેલાં કપડાં એક મોટા જુના કપડામાં મૂકી પોટલું બાંધી સાસુના હાથમાં આપ્યું.
બીજી બાજુ નાના ભાઈને ખબર પડી કે બહેન સાસરે જાય છે.
તેથી ખુશ થતાં તે બહેનની પાસે આવ્યો. નાની બહેનને જોતા જ તેને વિચાર આવ્યો કે અ…રે..રે… ભગવાન બહેનને આપવા માટે પોતાની પાસે કાંઈ છે નહીં નાનોભાઈ ગળગળો થઈ ગયો બહેનને કહેવા લાગ્યો,“બહેન !
આજે મારી પાસે તેને આપવા માટે કાંઈ છે નહીં પણ હું તને વચન આપું છું કે ભગવાન મને સારા દિવસો આપશે ત્યારે તને ખૂબ જ સા સાસરવાશો કરીશ.”
ભાઈને ગળગળો થઈ ગયેલો જાણીને બહેને કહ્યું,“ભાઈ ! મનમાં ઓછું લાવીશ નહીં. તારો મારા ઉપરનો પ્રેમ મારા માટે સોના-ચાંદીના કરિયાવર સમાન છે.
માટે દુઃખી થઈશ નહીં ભાઈ.”
બહેન તો સાસરે જવા તૈયાર થઈ અને ચાલી એના પતિદેવ સાથે. માએ કહ્યું,“બેટા ! ઊભી રહે.
આજ તારા વ્રતનો છેલ્લો દિવસ છે. તો હું તારા ઘેરાને ધૂપ દેવા દેવતા લઈ આવું.”
આમ કહી ડોશી તો દેવતા લેવા ગઈ.
આ બાજુ જમાઈને ઉતાવળ હતી. તેથી તે તો ચાલવા માંડ્યો. બહેન પણ પોતાના પતિ પાછળ ચાલી.
ગામના પાદર આવ્યા ત્યાં તો પાછળ ડોશી ઉતાવળે આવી અને બોલી,“લે બેટા દેવતા” બહેને તો દોરાને ધૂપ દીધો. ભાઈઓનું કલ્યાણ ઈચ્છતી તે આગળ ચાલી.
ચાલતાં ચાલતાં રસ્તામાં નદી આવી.
પોતાના પતિને કહીને વહુ તો નદીમા નહાવા ઉતરી. નાહી રહ્યા પછી બીજા કપડાં માંગ્યા અને તેના પતિએ પોટલું ખોલીને જોયું તો સ રંગબેરંગી સાડીઓ, પટોળા દેખાય એટલે તેણે કહ્યું,“આમાંથી કઈ સાડી આપું કે પોટલું ?”
પોતાના પતિનું કહેવું સાંભળી વહુ કહે કે,“શું કહ્યું છો નાથ ?
સાડી અને પટોળા ?
હોય કાંઈ ગરીબની મશ્કરી કાં કરા. ત્યાં તો તેના પતિએ એક સાડી કાઢીને ઊંચી કરી બતાવી કે “જો હું કાંઈ ખોટું નથી બોલતો.”
એમ કહી તે સાડી વહુ તરફ ફેકી અને કહ્યું,“એજ સાડી પહેરી લે સુંદર લાગશે” વહુ તો સમજી ગઈ કે આવું કેમ થયું. હે પ્રભુ !
તારી લીલા અકળ છે. કપડાં પહેરી નજીક આવી પોટલામાંથી બધી વસ્તુઓ બહાર કાઢી જોયું તો માટીનું ઢેકું ગોળનું થઈ ગયેલું. ચોખા હતા અને એક આનાના બદલે એક સોનામહોર હતી.
વહુએ તો પોતાના પતિને પેલી સોનામહોર આપી અને ગામમાં જઈ ખાવાનું લઈ આવવા કહ્યું.
વ૨ ખાવાનું લેવા ગામમાં ગયો. આ બાજુ તો ચમત્કાર થયો. નદી કિનારે એકાએક સુંદર હવેલી ઊભી થઈ ગઈ. વહુ તો શણગાર સજીને હવેલીના ચોથા માળની અગાસીમાં ઊભી રહી.
થોડા સમય પછી ગામમાંથઈ ખાવાનું લઈને વરતો જ્યાં નદી કિનારે આવ્યો તો તેણે તો એક સુંદર હવેલી ીઠી અને પોતાની વહુને તેમાં અટારીમાં ઊભેલી જોઈ.
તે તો દંગ જ થઈ ગયો. વહુ તો છેડતી નીચે આવી અને પતિદેવના હાથમાંથી ખાવાનું લઈ બોલી, “તમે આરામ કરો ને હું અબઘડી કાંઈક રસોઈ બનાવી નાખું.”
બંને જણાએ આનંદથી ભોજન કર્યું, અને સુખેથી હવેલીમાં રહેવા લાગ્યા.
દિવસો પસાર થવા લાગ્યા અને અચાનક દુકાળ પડ્યોને લોકોને ખાવાના સાસાં પડવા લાગ્યા. વખતના માર્યા લોકો ગામ છોડીને પેટીયું રળવા પરગામ જવા લાગ્યા.
પેલી ડોશી અને તેના સાતેય દિકરાઓ અને તેની વહુઓએ પણ ગામ છોડયું. ચાલતાં ચાલતાં આ બહેનની હવેલી આગળ આવ્યા એમને થયું કે કોઈ મોટી પૈસાદાર વ્યક્તિ અહીંયા રહેતી લાગે છે.
લાવો તપાસ કરીએ કાંઈ મજૂરી મળે તો. આમ વિચારી બધા હવેલીના બગીચામાં આવીને ઊભા રહ્યાં.
પોતાની મા અને ભાભી ભાઈઓને ઓળખી ગઈ.
ત્યાં તો હવેલીની બારીમાંથી પેલી બહેન આ બધું જોઈ રહી છે બગીચાનો માળી આવ્યો અને બધી વાત કહીં. બહેને કહ્યું તુંબગીચાના ખોદકામમાં બધાને કામે લગાડી દે.
અને પેલા જે સહુથી નાનો દેખાય છે તેને ધાબા ઉપર દેખરેખ રાખવાનું કહે જે, તેની પાસે ખોદકામ કરાવીશ નહીં. અને પેલા ડોશીમાંને બગીચાના ફૂલો જે ભેગાં થાય તે ફુલોની માળા બનાવવાનું ક જે.
માળીએ માલીકણની સૂચના મુજબ બધી ગોઠવણ કરી દીધી,એક દિવસ બહેનને થયું કે લાવને આજે અમારા લગ્નની તિથિ છે તો બધાને જમવાનું કહું.
નોકરોને જમવાનું બનાવવાનું કહીં તેણે પોતાની મા તથા ભાઈ-ભાભીઓને જમવા બોલાવ્યાં.
બધા જમવા બેઠા અને પેલી બહેન જાતે બધાને પીરસવા માંડ્યું.
નણંદને જોઈને પેલી અદેખી ભાભીઓ તો અચંબામાં પડી ગઈ. નીચા મોઢાં નાખી ગઈ. ભાઈઓ પણ ભોંઠપ અનુભવવા લાગ્યાં.
ત્યારે બહેને કહ્યું,“જોયું ને ભાઈઓ અને ભાભીઓ વખત કોઈનો નથી.
દરેકના જીવનમાં સારા નરસા દિવસો આવે છે. માટે કદી અભિમાનમાં છકી ન જવું અને તેમાંય હું તો તમારી બહેન હતી. પણ તમે મને હડધૂત કરી માત્ર એક નાના ભાઈએ જ મને પોતાનો પ્રેમ આપ્યો.
મેં વીરપસલીનું વ્રત કર્યું. તેના પ્રભાવે જ આજે તમે મારી આ સુખની દુનિયા જુઓ છો.” બધાએ બહેનને કહ્યું,“અમારી ભૂલ હતી બહેન અમને માફકર.”
બહેને બધાને માફ કર્યા અને બોલી,“મારે તો બધાય ભાઈ- ભાભીઓ મારા જ છે કોઈ જુદા નથી, તમે તમારે સુખેથી દુકાળ પાર ન થાય ત્યાં સુધી અહીંયા રહો.” બહેનની વાત સાંભળી બધા આનંદમાં આવી ગયા અનેપછી તો બધા સાથે સંપીને રહેવા લાગ્યા.
આમ જેમ બહેનને વીરપસલીનું વ્રત ફળ્યું તેવું વ્ર કરનારને, વ્રત ફળજો.