એવરત જીવરત વ્રતકથા | Evrat Jivrat Vrat Katha In Gujarati

એવરત જીવરત વ્રત ની પૂજાવિધિ

વ્રતની વિધિ : અષાઢ મહિનામાં વદ તેરસથી અમાસ સુધી ૩ દિવસ આ વ્રત થાય. આ વ્રત કરનારે સવારે વહેલા ઊઠી નાહી ધોઈને સ્વચ્છ કપડાં પહેરી માતાજીના મંદિરે જઈ ઘીનો દીવો કરવો.

પછી માતાજીની પ્રાર્થના પૂજન કરવા.

દર્શન કરી થેર આવી. એવરત-જીવરતની કથા સાંભળવી. પછી એકટાંણુ ભોજન લેવું અને તે પણ મીઠા વગરનું મોળું.

ભોજન લેવાનું પછી અમાસના દિવસે આખી રાત્રી જાગરણ કરવાનું માતાજીના નામનો અખંડ દીવો બાળવાનો.

આવી રીતે પાંચ વર્ષ સુધી વ્રત કરવાનું. પાંચમાં વર્ષે આ વ્રતનું ઉજવણું કરવાનું. ઉજવણામાં એવરત-જીવરત માની ગોયણી કરવી.

પાંચ ગોયણી કરવાની.

ગોયણી કરેલી સૌભાગ્યવતી સ્ત્રીઓને જમાડી પછી બંગડી ચાંલ્લા વગેરે આપવાના.

એવરત જીવરત વાર્તા

સોનવતી નામે એક નગર હતું. નગરમાં સોમદત્ત નામે એક બાહ્મણ રહેતો હતો.

તેને પત્ની તથા પુત્ર હતા. આમ ત્રણેય જણ સુખ શાંતિથી રહેતા હતાં. થોડા વખત પછી પુત્રનું માગું આવ્યું અને સોમદત્તે કન્યા જોઈ પોતાના ઘરને અનુકૂળ કન્યા છે.

તેમ માનીને પુત્રના લગ્ન કર્યાં. એકવાર આ વર-વહું બંને ફરતાં ફરતાં સોનાવતી નગરી બાર પહોંચી ગયા.

ત્યાં રસ્તામાં એક મંદિર જેવું લાગતાં બંનેને દર્શન કરવાની ઈચ્છા થઈ અને જ્યાં મંદિરના પગથિયા ચઢવા જાય છે ત્યાં જ વરને નાગ કરડ્યો અને ત્યાં ને ત્યાં જ તેનું મૃત્યું થયું.

કલ્પાંત કરતી વહું પોતાના પતિના મૃતદેહને મંદિરમાં લાવી.

રસ્તે જતી એક મજુરણ બાઈએ આ બધું જોયું. વહુંને ઓળખી ગઈ અને ઉતાવળે પગલે ગામમાં જઈ વહુની સાસુને બધી વાત કહી, બ્રાહ્મણ બ્રાહ્મણ તથા આડોશ પાડોશના માણસો દોડતા મંદિરે આવ્યાં, પણ આ બાજુ વહુએ મંદિરના દરવાજા બંધ કરી દીધા છે.

સાસુએ મંદિરના દ્વાર ખખડાવી કહ્યું,“બેટા ! દરવાજો ખોલ.”

પણ વહુ દરવાજો ખોલતી નથી. આખરે કંટાળીને સવારી થાય ત્યારે વાત એમ વિચારી બધા ગામમાં ગયા છે.

રાત્રીના પહેલો પ્રહર થયો અને ‘એવરતમાં’ મંદિરે પધાર્યા. જોયું તો મંદિરના દરવાજા બંધ છે. એમણે તો કમાડ ખખડાવી અવાજ દીધો કે,“મંદિરમાં કોણ છે ?

જે હોય તે કમાડા ઉઘાડે નહી તો મારા શાપનો ભોગ બનવું પડશે.”

વહુએ આ સાંભળી દરવાજા ઉઘાડ્યા અને જોયું તો કોઈ દેવરૂપ લઈને બાઈ ઊભા છે. હાથ જોડીને વહુએ પૂછ્યું,“ “આપ કોણ છો ?’’

દેવી બોલ્યા,“તેં મને ઓળખી નહીં ? આ મંદિર અમારી ચાર બહેનોનું છે. એવરત-જીવરત જયા અને વિજયા. જેમાં હું એવરતમાં છું, પણ આ અંદર કોણ સુતુ છે ?”

એવરત માની વાત સાંભળી વહુ બોલી,“માડી ! મારા ઉપરદયા કરો .

પરણ્યાને થોડો જ સમય થયો અને મારા પતિને નાગે દંશ દીધો છે.

અને જેનાથી તેઓ મૃત્યું પામ્યા છે. માટે દયા કરીને દા હે માડી ! મારા પતિને જીવત દાન આપો.”

એવરતમાં કહે,“હું જે કહું તે કરીશ ?”

વહુ કહે, “હ્ય માં ! તમે જે કહેશો તે કરીશ.

મારા પતિ જો જીવંત થતા હોય તો હું ગમે તે ભોગ આપવા તૈયાર છું.”

એવરતમાંએ કહ્યું, “તો તને જે પહેલું બાળક થાય તે મારુંબોલ છે તૈયાર ?”

વહુ કહે, “હા માં ! આપીશ…પહેલું બાળક તમને આપીશ પણ કૃપા કરી મારા પતિને જીવિત કરો.”

એવરત માએ તેના પતિ ઉપર દૃષ્ટિ કરી ત્યાં તો પતિના શરીરમાં ચેતન જણાયું. એટલામાં પહેલો પહોર પૂરો થયો અને એવરતમાં અદૃશ્ય થઈ ગયાં.

બીજા પહોરે વળી પાછું મંદિરનું બારણું ખખડ્યું. વહુએદરવાજો ખોલ્યો તો કોઈ તેજ રૂપ દેવી ઊભા છે.

વહુએ હાથ જોડીને પૂછ્યું,“માં…! આપ કોણ છો ?”

ત્યારે પેલા દેવી બોલ્યા,“હું જીવરત માં છું અને આ મંદિરમાં અમારા બેસણાં છે. પણ તું કોણ છે ?”

વહુએ બધી વાત કહી…રડી પડી…માં ! આ કાંઈક દયા કરો ને મારા પતિને જીવિત કરો.

જીવરત માએ કહ્યું,“તો હું કહું તેમ કરવા તૈયાર હોય તો તારા પતિને જીવિત કરું.”

વહુ કહે,“મા ! આપ જેમ કહેશો તેમ હું કરવા તૈયાર છું.”

જીવરત મા કહે,“તો સાંભળ…તારું બીજું બાળક થાય એ તારે મને આપી દેવાનું બોલ છે કબૂલ ?”

વહુ કહે,“હ્ય માં કબૂલ.”

અને પછી તો જીવરત માએ પણ તેના પતિના શરીર ઉપર કૃપા દૃષ્ટિ કરી અને તેના પતિના શરીરમાં વધારે સળવળાટ થયો.

ત્યાં તો જીવરતમાં પણ અલોપ થઈ ગયા.

હવે વહુને થયું કે ચોક્કસ મારા પતિ સજીવન થશે. જે આમ તેણીના મનને ધરપત થઈ…ત્યાં જ પાછા મંદિરના બાયણાં ખખડ્યાં. વહુએ દરવાજા ખોલ્યા તો જયા મા ઊભા હતા.

પોતાની બધી વાત જયામા ને વહુએ કહી અને કહ્યું,“મા…! આપ કાંઈક દયા કરો.”

જયા માએ કહ્યું,“તારે જે ત્રીજું બાળક થાય તે તારે મને આપવાનું ?

આ વચન જો તું મને આપે તો જ તારા પતિદેવને સજીવન કરું”.

જયા મા કહે તેમ વહુ કરવા તૈયાર થઈ.

એટલે જયા માર્ગે તો પતિ ઉપર દૃષ્ટિ કરી અને તેનો પતિ પડખું ફર્યો…ત્યાં તો જયા મા પણ અંતરધ્યાન થઈ ગયાં.

આમ રાત્રીના ત્રણ પહોર વીતી ગયા છે…ચોથો પ્રહર થયો કે વિજયા માં આવ્યાં.

વિજયા માને જોઈ વહુતો કરગરવા લાગી અને પોતાની કથની કહેતાં બોલી, “આપ મુજ દુ:ખી ઉપર દયા કરીને મારા પતિને જીવતા કરો માં.”

વિજયામાં બોલ્યા, “તું જો મારા કહ્યા પ્રમાણે કરે તો તારા પતિને સજીવન કરું.” કરીશ મા ! તમે જેમ કહેશો તેમ હું કરીશ.

જીવ કહેશો તોજીવ આપી દઈશ માં…પણ મારા પતિને સજીવન કરો. વહુ બોલી. દીકરી…!

તારો જીવ નહીં પણ તારું ચોથું બાળક મને તુંઆપી દેજે, વિજયામા બોલ્યાં.

ચોથું બાળક આપ્યું તમને માં. વહુ બોલી, અને વિજયા માએ તેના પતિના દેહ ઉપર કૃપા દૃષ્ટિ કરી અને તેણીના પતિએ આળસ મરડી આંખો ઉઘાડી બેય પતિ-પત્ની માના પગમાં પડ્યાં.

પછી વહુએ ચાર માતાજીને આપેલા વચનની વાત તેના પતિને કરી.

અને જ્યાં સવાર પડ્યું કે એક પૂજારીજી મંદિરે પૂજા કરવાઆવ્યા.

આ બેય પતિ-પત્નીને માતાજીની પૂજા કરતાં જોયાં અને તુરત તે વાત કરી.

પુજારીજી ગામમાં ગયા અને બ્રાહ્મણના માતા-પિતાનેસૌ પુજારીની વાત સાંભળી હર્ષઘેલા થઈ મંદિર તરફ દોડ્યા. મંદિરે આવીને પોતાના પુત્ર તથા પુત્રવધુને હેમ ખેમ જોઈ બધાને આનંદ થયો. સૌ ઘરે આવ્યાં.

સમય જતાં વહુને સારા દિવસો દેખાયા અને બરાબર નવ માસે પુત્રને જન્મ આપ્યો.

બીજે જ દિવસે રાત્રે એવરતમા આવ્યા અને વહુને કહ્યું,“દીકરી ! જાગે છે કે ઊંઘે છે ?”

“જાગુ છું મા…!” વહુ બોલી. “આપેલું વચન યાદ છે ને ?” માં બોલ્યા. “હા મા…! આપેલું વચન કેમ ભૂલાય ?” વહુ બોલી.

“તો…લાવ મારો દીકરો…” એવરતમાંએ દીકરાની માગણી કરી અને વહુએ તો પોતાના દીકરો વચન પાળવા એવરતમાંને સોંપી દીધો. પોતાના પતિના જીવન માટે પોતાના જણ્યાનું બલિદાન આપ્યું.

સવારે સાસુને ખબર પડી કે વહુની પાસે બાળક નથી.

તેમને કાંઈ સમજણ પડી નહીં કે બાળકનું શું થયું ! રાતમાં બાળકને કોણ લઈ જાય ? ચોક્કસ આમાં કોઈ ગોટાળો છે.

આમ થોડો વખત જતાં આ વાત ભૂલાઈ ગઈ. વળી પાછું એક દોઢ વર્ષ વીતી ગયું…વળી પાછા વહુને સારા દિવસો દેખાયા.

અને સમય થતાં પાછો વહુને દીકરો અવતર્યો અને જીવરતમાં એ વહુ પાસે વચન મુજબની માંગણી કરી.

વહુએ તો વચન મુજબ બીજો દીકરો જીવરતમાંને આપી દીધો.

સવારે સાસુએ આવીને જોયું તો દીકરો નથી. વહુને ઢંઢોળીને પૂછ્યું,“વહુ દીકરો ક્યાં ?”

વહુ કહે,“રાત્રે માતાજી આવ્યા અને દીકરો લઈ ગયાં.”

સાસુને વહેમ પડ્યો કે નક્કી વહુ ડાકણ લાગે છે. છોકરાં ભરખી જાય છે. નહીં તો આમ ન બને. માતાજી તો દીકરાઆપે…લઈ થોડા જાય ?

સાસુને લાગ્યું કે વહુ ખોટું બોલે છે…દીકરા બેય ભરખી ગઈ અને માતાજીનું નામ આપે છે.

હવેની વાર બરાબર ધ્યાન રાખવાનું મનમાં નક્કી કર્યું.

સમય જતા વાર નથી લાગતી.

વહુને ત્રીજી સુવાવડમાં પણ દીકરો જ અવતર્યો. સાસુ વહુના ખાટલે બેઠી જાગે છે ત્યાં તો જયામાં આવ્યા અને ઘરમાં આવી ચારે બાજુ નજર ફેરવી. નિંદ્રાદેવીને પ્રેરણા કરીને આખા ઘરના બધા સૂઈ ગયા.

ખાટલે બેઠેલી સાસુ પણ ઝોકા ખાવા લાગી.

પછી જયામાંએ વહુને આપેલા વચનની યાદ દેવડાવી. વહુએ તો ત્રીજો દીકરો પણ આપી દીધો.

સવારે સાસુ જાગીને જુએ છે તો દીકરો ગુમ ! સાસુએ તો રારોળ કરી મૂકી પણ હવે થાય શું ?

આખા ગામમાં “વહુ ડાકણ છે ને ત્રણ ત્રણ દીકરા ભરખી ગઈ તેવી વાતો થવા લાગી.”

આ વાત ફેલાતી ફેલાતી રાજાના કાને પહોંચી.

રાજાને નવાઈ લાગી કે કમાલ છે. માં, દીકરા ખાય નહી અને ડાકણ કદી થાય નહી નક્કી કાંઈ ભેદ છે. તેમણે સાસુને કહેવડાવ્યું કે હવે અમને બોલાવજો.

સમય જતાં વહુને ચોથી પ્રસુતિ આવી આ વખતે રાજા પોતે પહેરો ભરે છે કારણ કે તેને જાણવું છે કે વાતમાં શો ભેદ છે ?

ત્યાં તો અડધી સત્રે વિતી છે…અને વિજયમાં ચોથા દિકરાને લેવા આવ્યા. પોતાની શક્તિથી બધાને નિંદ્રામાં નાંખી બોલ્યા,“વહુ બેટા ! જાગે છે ને ?” ‘હા…માં’ વહુ બોલી.

“આપેલુ વચન યાદ રાખ્યું છે કે ભૂલી ગઈ ?” વિજયામાં બોલ્યા.

“ના…ના…માડી ! બરાબર યાદ છે.” વહુ બોલી. “તો લાવ મારો દિકરો.” વિજયા મા બોલ્યાં.

વહુએ વચન મુજબ ચોથો દિકરો વિજયામાંને આપી દીધો સવારે બધાએ જોયું તો દીકરો ન મળે. સાસુ તો વહુને જેમ તેમ

બોલવા લાગી પણ રાજાને કાંઈક રહસ્ય લાગ્યું નક્કી કાંઈક ભેદ છે.

વહુને પાંચમી સુવાવડ આવી અને દીકરી અવતરી. સવારે સાસુએ જોયું તો દીકરી સલામત છે.

સાસુને સંતોષ થયો દીકરી કિલકિલાટ કરે છે.

આથી વહુએ કહ્યું કે,“મા મારે ગોયણી જમાડવી છે.” સાસુએ કાંઈ જવાબ આપ્યો નહીં તેથી વધુ તો બીજે દિવસે સવારે વહેલા ઊઠીને નાહી ધોઈને ફૂલ-પૂજાપો લઈને એવરતમા-જીવરતમાંના મંદિરે આવી.

અને માતાજીને કહ્યું,“મા…! મારે વ્રતનું ઉજવણું કરવાનું છે. માટે તમે ચારેય માતાજીઓ મારા ત્યાં ગોયણી થઈને આવો.”

આમ એવરતમાં જીવરતમાં અને વિજયમાં વહુને ત્યાં ગોયણીઓ થઈને જમવા આવ્યાં છે.

વહુએ તો ભક્તિ ભાવથી જમવાનું પીરસીને જમાડવા માંડ્યા. ત્યાં તો ઘોડીયામાં સૂતેલી બાળકી રડવા લાગી.

માતાજીએ કહ્યું,“દીકરી..! કેમ રડી છે ?” વહુ બોલી, “માતાજી…એને હીંચકો નાખનાર કોઈ નથી. જો ભાઈ હોય તો તેય હીંચકો નાંખે.”

ત્યાં તો ચારેય માતાજી બોલ્યા,“ભાઈ કેમ નથી. એને તો ચાર ભાઈઓ છે.

લે આ તારા ચારેય દીકરા” આમ ચારેય માતાજીએ વહુને તેના ચારેય દીકરા પાછા આપ્યા.

અને આશીર્વાદ આપી અંતરધ્યાન થયા.

પછી તો ગામમા બધાને સાચી વાતની ખબર પડી…સાસુને પણ સાચી વાતનો ખ્યાલ આવ્યો અને જ્યાં સર્વેને સાચી વાતની ખબર પડી તો સોને આનંદ થયો અને સો સુખેથી રહેવા લાગ્યાં.

હે એવરતમાં…! હે જીવરતમાં…! હે જયામાં…! હે વિજયામાં…આપ જેવા વહુને ફળ્યાં.

તેવા આ વ્રત કરનારને, કથા સાંભળનારને, કહેનાર સર્વેને ફળજો.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *