જીવંતિકા માતા વ્રત કથા | Jivantika Maa Vrat Katha In Gujarati

જીવંતિકા માતા વ્રત કથા/વાર્તા

એક નગર હતું. નગરનો રાજા ખૂબ જ દયાળું અને પ્રજા પાલક હતો.

તે પોતાની પ્રજાને પુત્રની માફક જાળવતો હતો. પ્રજા સુખી તો પોતે સુખી અને પ્રજા દુ:ખી તો પોતે દુ:ખી.

તેવું તે માનતો હતો. આ રાજાને ત્યાં ઘેમ ધ્રેમ સાયબી હતી.

પરંતુ ભગવાને તેમને ઘેર શેર માટીની ખોટ મૂકી હતી.

તેથી ચિંતામાં ને ચિંતામાં રાજા રાણી બંને સૂકાતા હતા.

એક વખત રાણી રાજમહેલમાં ઉદાસ મને બેઠા હતાં.

ત્યાં તેમની દાસી આવી. દાસીએ રાણીને ઉદાસ જોઈ પૂછ્યું કે,“રાજ માતા !

આજે તમે ઉદાસ કેમ બેઠા છો ? તમારી ઉદાસીનું કારણ મને નહી કહે ?”

ત્યારે રાણીએ કહ્યું,“દાસી ! પ્રભુએ મને ધનદોલત આપી છે. પરંતુ તેનો વાપરનાર નથી આપ્યો તેની મને ખૂબ જ ચિંતા થાય છે.”

આ સાંભળી દાસીએ કહ્યું,“રાણીજી આપ મારું કહ્યું કરો.

આજથી તમે સગર્ભા છો તેવું જાહેર કરો પછીનું હું સંભાળી લઈશ.”

આ દાસી ગામમાં સૂયાણીનું કામ કરતી હોવાથી ગામમાં કયા વખતે કોને સૂવાવડ આવવાની છે તે તેને ખબર રહેતી.

રાણીને નવ માસ પૂરા થતાં એક બ્રાહ્મણના ઘેર જન્મેલું બાળક લાવી આપ્યું. અને રાણીની ગોદમાં સુવડાવી દીધું.

જન્મ અને સવારના પહોરમાં વધામણી આપી કે રાણીને પુત્રનો થયો છે.

તેથી રાજાએ તો ગરીબ અને બ્રાહ્મણોને અન્નદાન, વસ્ત્રાન વગેરે છૂટે હાથે આપવા માંડ્યું. અને પુણ્યના માર્ગે પ્રભુએ આપેલો પૈસો વાપરવા માંડ્યો. આખા નગરમાં ખૂબ જ આનંદ આનંદ વરતાઈ ગયો.

નગરમાં મીઠાઈઓ વહેંચાઈ અને ખૂબ જ ધામધૂમ મચી ગઈ.

જ્યારે બીજી બાજુ સુયાણીના કાવતરાથી બ્રાહ્મણીના ઘરમાં રોકકળ મચી ગઈ.

કારણ કે પોતાનું બાળક કોઈક ઉપાડી ગયું હતું.

પરંતુ આ બ્રાહ્મણી માતા જીવન્તિકાનું વ્રત કરતા હોવાથી મા જીવન્તિકા તેના બાળકનું રક્ષણ કરવા રાજમહેલમાં આવતા હતાં અને બ્રાહ્મણીને પણ વિશ્વાસ હતો કે મારો પુત્ર જ્યાં હશે ત્યાં માતા જીવન્તિકા તેનું જરૂર રક્ષણ કરતાં હશે.

આ બાજુ બ્રાહ્મણનો પુત્ર રાજમહેલમાં રાજકુમાર તરીકે દિવસે દિવસે મોટો થવા લાગ્યો. રાજકુમાર બધી જ વિદ્યામાં ખુબ જ પ્રવીણ હતો.

સમયે રાજાનું અવસાન થતાં તેના પિતાનું રાજ્ય તેને મળ્યું.

તે પણ પોતાના પિતાની જેમ પોતાની પ્રજાને પુત્રની માફક સાચવતો હતો.

તેણે પોતાના પિતાનું શ્રાદ્ધ કરાવવા ગયાજી જવાનો વિચાર કર્યો. તેથી તેની માતાની રજા લઈ પિતાનું શ્રાદ્ધ કરવા ગયાજી ચાલી નીકળ્યો.

તે ચાલતો ચાલતો જ્યાં રાત પડતી ત્યાં વિસામો લેતો. સવારે આગળ ચાલી નીકળતો હતો.

એક દિવસ એક ગામમાં રાત પડી તેણે ગામમાં રહેવાનો વિચાર કર્યો, તે તો ગામમાં જઈ એક શેઠનાં ત્યાં જઈ સાદ કર્યો.

‘અરે ઘરમાં કોઈ છે કે નહી ?’ ત્યારે મકાન માલિક બહાર આવી કોણ છે કોનું કામ છે તારે ?

રાજકુમાર બોલ્યો,‘“કે હું એક અજાણ્યો મુસાફર છું. રસ્તામાં રાત પડી ગઈ હોવાથી તમારાં ગામમાં રાત રહેવાનો વિચાર કર્યો અને તમારા ઘેર આવી સાદ પાડ્યો.’

આજની રાત મને રહેવા દો તો તમારી મોટી મહેરબાની માનીશ.

હું ઉજ્જૈન નગરીથી આવું છું. સવારે ચાલ્યો જઈશ. શે કહે,“ખુશીથી રહે ભાઈ આ તારું જ ઘર છે.”

એમ કહીને તેનો સત્કાર કર્યો અને તેને જમવા રસોઈ બનાવી જમાડ્યો અને બાર ઓટલા ઉપર પથારી કરી આપી. આથી રાજકુમાર થાક્યો પાક્યો હતો તેથી ઘસઘસાટ ઊંઘી ગયો.

આ બાજુ વાણિયાની વહુને સુવાવડ આવી હોવાથી તેના દીકરાની છઠ્ઠી હતી. અગાઉ વાણિયાના કુખે જન્મેલ દરેક બાળક સાતમાં દિવસની સવારે મરણ પામતા હતા તેથી તેઓ ચિંતિત અવસ્થામાં સૂતા હતા, એમ કરતાં તેઓ પણ ઊંઘી ગયા.

મધ્યરાત્રિએ વિધાતા વાણિયાના છોકરાના લેખ લખવા આવ્યા.

ત્યારે બહાર સૂતેલ રાજકુમારનું માતા જીવન્તિકા ઓશિકે ઊભા રહી રક્ષણ કરતાં હતાં. તેમણે વિધાતાને રોકીને કહ્યું કે, “બહેન ! અત્યારે મધ્યરાત્રિએ તારું આગમન કેમ થયું ?”

ત્યારે વિધાતાએ કહ્યું કે,“વાણિયાના ત્યાં દિકરો આવ્યો છે.

તેથી આજે છઠ્ઠી છે. તેના લેખ લખવા આવી છું.”

ત્યારે માતાજીએ પૂછ્યું કે બેન તેના લેખમાં તું શું લખીશ ?

વિધાતાએ કહ્યું કે, “આ છોકરો સવારે મરણ પામશે.”

ત્યારે જીવન્તિકામાએ કહ્યું,“જ્યાં મારી હાજરી હોય ત્યાં કોઈનું અમંગળ ન થાય માટે તારે તેનું દીર્ઘાષ્ય લખવું પડશે.” ત્યારે વિધાતાએ કહ્યું કે,“મારે તેના લેખમાં હોય તે જ લખવું પડે.”

માટે માતાજી બોલ્યા, “તારી ઈચ્છા કદી પૂરી થશે નહીં. તારે દીર્ઘાયુષ લખવું જ પડશે.” વિધાતાએ જીવન્તિકાના કહેવાથી બાળકનું દીર્ઘાયુષ લખ્યું.

સવારે વાણિયાના ઘરના ઊઠ્યા ત્યારે પોતાના બાળકને જીવતું જોયું.

તેથી તેઓ સો ગાંડા ધેલા થય ગયા હતા .

આ અગાઉ જન્મેલા દરેક બાળક સાતમા દિવસના સવારે મરણ પામતાં હતાં.

તેઓ પોતાના ઘેર આવેલાં મુસાફરને સારા પગલાનો ગણવા લાગ્યા. આથી તેઓ ખૂબ જ આદર સત્કાર કર્યો અને રાજકુમારે જવાની રજા માંગી ત્યારે તેને રહેવા માટે ખૂબ જ આગ્રહ કર્યો ત્યારે રાજકુમારે કહ્યું કે,“

હું મારા પિતાનું ગયાજી શ્રાદ્ધ કરવા જાઉં છું. હું જ્યારે મારા દેશમાં પાછો જઈશ ત્યારે તમારા ઘેર જરૂર આવીશ.”

જ્યારે બ્રાહ્મણપુત્ર (રાજકુમાર) તેના પિતાનું બ્રાહ્મણીની મદદથી શ્રાદ્ધ (પિંડદાન) આપે છે. ત્યારે તેને પાણીમાં એકને બદલે બે હાથ દેખાય છે.

તેનું રહસ્ય તેને સમજાતું નથી, અને પંડિતોને કારણ પૂછ્યું તો ચૂપ રહ્યાં.

રાજકુમારે ખૂબ જ આગ્રહ કર્યો ત્યારે પંડિતોએ કહ્યું કે એક હાથ કોઈ દેવીનો હોય તેવું લાગે છે.

રાજકુમારે શ્રાદ્ધ કર્યા બાદ લગભગ એક વર્ષ જેટલો સમય તીર્થયાત્રામાં ગાળ્યો અને પછી ઘેર જવા નીકળ્યો પરંતુ મનમાં પેલા બે હાથની શંકા જતી નથી. એક પછી એક ગામ વટાવતો પેલા વાણિયાના ગામમાં આવ્યો અને વાણિયાના ઘેર ગયો. ત્યારે પણ તેની પત્નીને બીજો પુત્ર જન્મ્યો હતો. તેની છઠ્ઠી હતી. વિધાતા આજે લેખ લખવા આવવાના હતા. ખરા સમયે રાજકુમારને આવેલો જોઈ વિણક શેઠ તો ગાંડો થેલો થઈ ગયો. તેણે રાજકુમારનો આદર સત્કાર કર્યો.

રાજકુમાર રાત્રે ઘરના ઓટલા ઉપર પથારી કરી સૂતો હતો. અને માતા જીવન્તિકા રાજકુમારનું રક્ષણ કરતાં હતાં.

આજે પણ વિધાતાદેવી છઠ્ઠીના લેખ લખવા આવ્યા ત્યારે માતાજીએ આડું ત્રિશૂળ ધર્યું અને પૂછ્યું આજે કેમ તારું આગમન અહીંયા છે.

ત્યારે વિધાતા દેવીએ કહ્યું કે આજે વાણિયાના દીકરાની છઠ્ઠી છે. તેથી લેખ લખવા આવી છું.

પણ મોટી બહેન આજે તમને અહીંયા જોઈ મને ખૂબ જ નવી લાગી છે.

તમારું અહીંયા હાજર રહેવાનું કારણ મને કહો .

જીવન્તિકામાએ કહ્યું કે,“હે બહેન ! આ રાજકુમાર સૂતો તેની મા મારું વ્રત કરે છે,

અને જે સ્ત્રી શ્રદ્ધાપૂર્વક વ્રત કરે છે. તેના બાળકનું રક્ષણ કરવાની મારી ફરજ છે.

આથી મારી હાજરી અહીંયા છે. હે બહેન ! તું મને કહે કે છોકરાના લેખમાં શું લખવાની છે ?”

ત્યારે વિધાતા દેવીએ કહ્યું કે, “તેનાં લેખમ આવે છે કે સવારે બાળક મૃત્યું પામશે.” જ્યાં મારી હાજરી હોય ત્યાં અશુભ કંઈ ન થાય એટલે તારે દીર્ઘાયુષ લખવું જ પડશે.

આ વાતચીત સૂતેલો રાજકુમાર જાગી જઈ સાંભળતો હતો. વિધાતા દેવીએ કહ્યું કે,

“બહેન ! તમારા વ્રતનો પ્રભાવ તો જોયો પણ તે વ્રતની વિધિ કહો.” ત્યારે માતાજી બોલ્યા.

સૌભાગ્યવતી સ્ત્રીઓ શ્રાવમ માસના પહેલા શુક્વારે સવારે અડચણ હોય તો બીજા શુક્રવારે સવારે નાહી ધોઈને પીળા વસ્ત્રો કે ઘરેણા પહેરે નહિ.

ચોખાના ઓસામણને ઓળંગ નહીં.

પાંચ દીવેટનો દીવો કરી મારું પૂજન કરે અને આખો દિવસ ઉપવાસ કરે.

અથવા તો એકટાણું કરે તેના બાળકનું હું સા રક્ષણ કરું છું પણ તું વાણિયાના છોકરાનું દીર્ઘાયુષ લખવાનું ભુલતી નહીં.

વિધાતા દેવી વાણિયાના બાળકનું દીર્ઘાયુષ લખ્યું. બીજે દિવસે વાણિયાના ઘરના જાગ્યાં ત્યારે બાળક માની સોડમાં શાંતિથી નિંદ્રા લઈ રહ્યો હતો.

તે જોઈ વણિકના ઘરનાને ખૂબ જ હર્ષ થયો અને મનમાં એવો વિશ્વાસ થયો કે આવેલ મહેમાન સારા પગલાનો હોવાથી આપણાં ઘરમાં અશુભ થતું રહી ગયું, અને બાળક જીવતો રહ્યો.

સવારે રાજકુમારે જ્યારે પોતાના ઘેર જવાની રજા માગી ત્યારે વાણિયાએ રોકાઈ જવા ખૂબ આગ્રહ કર્યો, પણ વણિકની રજા લઈ પોતાના નગરમાં જવા રવાના થયો અન સાંજે પોતાના મહેલે આવ્યો.

ત્યાં સુધી તેના મનમાં જીવન્તિકામાં અને વિધાતાદેવીનો થયેલો વાર્તાલાપ રમતો હતો અને તેથી જ તે જઈ તરત પોતાની માતાને પ્રશ્ન પૂછ્યો કે મા તમે કોઈ વ્રત કરો છો ?

ત્યારે રાજમાતાએ કહ્યું કે,“બેટા ! હજુ સુધી મેં કોઈ વ્રત કર્યું નથી.

રાજકુમારના મનમાં વિચાર આવ્યો કે આ મારી

જન્મદાતા મા નથી. તેણે પોતાની જન્મદાતા મા શોધવા એકયુક્તિ રચી.”

શ્રાવણ માસનો પ્રથમ શુક્રવાર આવતા તેણે આખા નગરમાં ઢંઢેરો પીટાવ્યો કે આજે સાંજે પાંચ વાગે રાજમહેલમાં જમણવાર હોવાથી દરેક સ્ત્રીઓએ ખાસ પીળા રંગના વસ્ત્રો પહેરીને જમવા આવવું. સાંજે બધાં જમા.

આવ્યા. રાજકુમાર પ્રવેશદ્વાર પાસે આરામ ખુરશીમાં બેઠા બેઠાધ્યાન રાખે છે કે પીળા વસ્ત્રો કોણે નથી પહેર્યા.

બધા જમીને જતાં રહ્યાં છતાંય પીળા રંગ વગરના કપડાંવાળી સ્ત્રી જોવામાં નહિ આવતાં તેવો ગામમાં સિપાઈ મારફત તપાસ કરાવી કે આજે જે ગામમાંથી જમવા ન આવ્યું હોય તેને લઈ આવો.

થોડીવાર બાદ એક સિપાઈ આવી કહેવા લાગ્યો કે એક બ્રાહ્મણ સ્ત્રી જમવા નથી આવી. તેથી શ્રાવણ માસના પ્રથમ શુક્રવારે વ્રત હોવાથી હું પીળા વસ્ત્રો પહેરતી નથી તેથી હુ જમવા નહીં આવું.

રાજકુમારને લાગ્યું કે જરૂર આ બ્રાહ્મણી જ મારી માતા .હોવી કે જોઈએ.

તેણે સિપાઈ જોડે લાલ રંગના વસ્ત્રો પહેરી માતા જીવન્તિકામાનું નામ લઈ તે જમણવારમાં આવવા માટે નીકળી. રાજમહેલમાં પ્રવેશ દ્વાર પાસે પહોંચી રાજકુમાર આરામ ખુરશીમાં બેઠો હતો.

તેને જોતાં જ તેનાં થાનમાંથી દૂધની શેર છૂટી અને રાજકુમારના મોઢામાં જઈને પડી.

તરત જ રાજકુમાર ‘મા’ કહીને તેને ગળે વળગી પડ્યો. પછી તે પોતાની માતાને મહેલમાં લઈ ગયો.

અને કહ્યું કે મા તું મારી જન્મદાતા મા છે. આજથી તારે મારા મહેલે રહેવાનું.

આમ કહી પોતે ગયાજી ગયો હતો અન જીવન્તિકા મા અને વિધાતા દેવી વચ્ચે થયેલી વાત કરી સંભળાવી.

બ્રાહ્મણીને હવે ખ્યાલ આવ્યો કે દાયણે કપટ કરી પોતાની ગોદમાંથી બાળકને ઉઠાવી રાણીની ગોદમાં સુવાડી દીધો હશે અને દાયણે રાણીને પુત્ર ન હોવાથી ધનની લાલચે આ કામ કર્યું હશે તેવું તેના મનમા થયું .

જે થયું તે સારા માટે કારણ કે આજે તેનો પુત્ર ઘેર હોત તો મોટો રાજા ન બની શક્યો હોત અને માતા જીવન્તિકાને પ્રતાપે તેનો પુત્ર મોટો રાજા બન્યો.

આમ માતા પુત્રનું મિલન પણ થયું. આ વાત રાણીને પુછતા, આ વાત સાચી છે તે કહી બતાવ્યું.

જીવન્તિકા માતાનો આવો પ્રભાવ નજરે નિહાળીને ગામની દરેક સ્ત્રીઓ જીવન્તિકા માનું વ્રત કરવા તૈયાર થઈ અને રાજકુમારની માતા બ્રાહ્મણીને કહેવા લાગી કે,બહેન અમારે પણ આ જીવન્તિકા માનું વ્રત કરવું છે તો તેની વિધિ કહો.

બ્રાહ્મણીએ કહ્યું કે, “હે બહેન તમે ઘણી જ ખુશીની વાત કહી જુઓ, જીવન્તિકા માતાનું વ્રત શ્રાવણ માસના પ્રથમ શુક્રવારે કરવામાં આવે છે.

તે દિવસે પીળા વસ્ત્રો કે ઘરેણાં પહેરવા નહીં. ચોખાનું ધોવરામણ ઓળંગવું નહીં. સવારે વહેલા ઊઠી નાહી ધોઈને પવિત્ર થઈ માતા જીવન્તિકાના નામનો પાંચ દિવેટનો દીવો કરવો.

માનું ધ્યાન ધરી અને પૂજન કરવું અને પોતાના બાળકનું રક્ષણ કરવા માટે પ્રાર્થના કરવી ત્યારબાદ સાકર નાખેલો કંસાર ધરાવી તે ધરાવેલા કંસારનું એક ટાણું ભોજન કરવું.”

આ વ્રત નવ વર્ષ સુધી શ્રાવણ માસના પ્રથમ શુક્રવારે કરવાથી વધારે ફળ આપે છે.

નવ વર્ષ બાદ વ્રતનું ઉજવણું કરવું. સ્ત્રી જો પૂર્ણ શ્રદ્ધાથી જીવન્તિકા માનું વ્રત કરે તો મા તેના બાળકનું હંમેશા રક્ષણ કરે છે.

અને વિખૂટા પડેલા પોતાના સંતાનો આપો આપ મળી આવે છે.

મારો પુત્ર પણ મને જીવન્તિકામાએ આપો આપ પાછો મેળવી આપ્યો છે.

તે તમે બધા જાણો છો માટે દરેક બહેનોએ જેટલા બને તેટલા શ્રાવણ માસના શુક્રવારે આ વ્રત કરવા. તમારા સર્વનું કલ્યાણ થશે. ત્યારથી દરેક સ્ત્રીઓ માતા જીવન્તિકાનું વ્રત કરવા લાગી.

હૈ જીવન્તિકા મા તમે જેવા બ્રાહ્મણીને ફળ્યા. તેવાં તમારી વાર્તા લખનાર, વ્રત કરનાર, સાંભળનાર સર્વેને ફળજો, અને સર્વેના બાળકોનું સદા રક્ષણ કરજો.

|| જય જીવન્તિકા મા ॥

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *