બોળચોથ વ્રત કથા | Bahula Chaturthi Vrat Katha In Gujarati
2023 મા બોળચોથ ક્યારે આવે છે ?
રવિવાર, ૩ સપ્ટેમ્બર 2023 (શ્રાવણ માસના વદ ૪ના દિવસે)
બોળચોથ વ્રતની વિધી
શ્રાવણ માસના વદ ૪ના દિવસે નાહી ધોઈને ગાય વાછરડાની પૂજા કરવી.
બોળચોથની કથા કરવી.
વાંચવી અને સાંભળવી કોઈ સાંભળનાર ન હોય તો દિવો કરીને દીવાની સામે વાંચવી.
આ દિવસે છડેલું અનાજ ખાવું નહિ.
બોળચોથ વ્રત કથા/વાર્તા
એક ગામમાં સાસું અને વહું રહેતા હતાં.
શ્રાવણ માસ આવ્યો એટલે તેની વદ-૪ના દિવસે સાસુ નદીએ ન્હાવા જતાં તેમની વહુને કહેતાં ગયા કે વહું, આજે બોળચોથ છે:
માટે હું નદીએ ન્હાવા જાઉં છું.
પાછી આવું ત્યાં સુધી ધઉંલો રાંધીને રાખજે.
સાસુએ ઘઉંની રસોઈ કરવાની વાત કરી હતી પણ વહુએ વિચારીએ કોઈ દિવસ ઘઉંલો રાંધ્યો નહોતો તેથી ઘઉંલાનો અર્થ સમજી નહીં.
અને વહુ બિચારીએ ઘઉંલો (વાછરડો) ખાંડી નાખ્યો અને ચૂલે રાંધવા ચડાવ્યો.
સાસુ તો નદીએથી નાહીને પાછા ઘરે આવ્યા અને વહુને પૂછ્યું,‘વહેં ! ઘઉંલો રાંધ્યો છે ને ?’ વહું કહે,‘રાંધ્યો છે પણ ઘઉંલો તો ઘણો તોફાની જેમતેમ કરીને ખાંડી ચૂલે ચડાવ્યો છે.’
સાસુને બીક લાગી. તેમણે વહુને પૂછ્યું,‘વહું ! તમે કયા ઘઉંલાની વાત કરો છો ?’
કેમ વળી ઘઉંલો તે વળી બીજો કયો હતો હશે ?
આપણી ગાયનો ટભુલો વાછરડો તે તે જ ને…વહુએ જ્યાં ચોખવટથી વાત કરી ને સાસુમા તો અફસોસ કરી ઊઠ્યાં.
‘…………….વહું ! તમે આ શું કર્યું ? મારા બાપ…! હવે શું થશે ?
આજે તો બોળચોથ છે. અને તેથી હમણાં ગામના લોકો ગાય વાછરડાની સેવા પૂજા કરવા આવશે તો જવાબ શું દઈશું ?
વળી આપણી ગાય સીમમાંથી પાછી આવશે અને તેના વાછરડાને નહિ જુએ તો ઝૂરી મરશે. વહું તમે તો ગજબ કરી નાંખ્યો. મારા બાપ…રામ…રામ…રામ…! હે મારા નાથ ! હવે શું કરવું ? ‘
‘વહું તમે એમ કરો…આ હાંડલું ઉકરડે જઈ ઘંટી આવો.’ સાસુજીના કહેવાથી વહુ તો ઘઉંલો રાંધેલું હાંડલું ઉકરડે જઈ ઘટી આવી સાસુ વહુ તો ઘરના દરવાજા બંધ કરી બેસી ગયા.
આ બાજુ વાછરડાની મા ગાય સવારથી ગામને પાદર ચરવા ગયેલી.
પાછી આવી અને એને ખબર પડી કે મારું બાળ ઘઉંલો મરણ પામ્યો છે અને તેને ઉકરડામાં ઘટવામાં આવ્યો છે.
ગાય તો ઠેકડા મારતી અને ભાંભરતી આવી અને પોતાના શિંગડા વડે જ્યાં પેલું છંડલું દાટેલું હતું.
ત્યાંની માટી અને કચરો ઉખાડી નાંખ્યો.
અને તેનું શિંગડું હાંડલું ફૂટતાં જ તેમાંથી જીવતો ઘઉંલો (વાછરડો) બહાર આવ્યો અને પોતાની માતાને જોતાં જ તેને ધાવવા લાગી ગયો.
ઘઉંલાની મા ગાયને પોતાનું બાળક જીવતું જોતાં ટાઢક વળી અને એ પણ વાછરડાને પોતાની જીભ વડે ચાટીને વહાલ કરવા લાગી. આખા ગામમાં ગાયો તો ઘણી હતી. અને ગામડું હતું એટલે ગાયો તો હોય જ ને !
પણ ગાય અને વાછરડાના રંગ એક જ હોય તેવા એકરંગી ગાય વાછરડું તો આજ હતાં.
બોળચોથનું વ્રત કરતી સ્ત્રીઓએ આ જ ગાય વાછરડાનું પૂજન કરવાનું નક્કી કર્યું.
ગામની સ્ત્રીઓ સાસુ વહુને ઘરે આવીને અને ડેલીનું બારણું ખખડાવતાં બોલી ડોશીમાં !ઓ ડોશીમાં સાસુને બહુ ડેલી બંધ કરી શું કરો છો ?
ડેલીના દ્વારા ખોલો, ક્યાં છે એક રંગી ગાય અને ઓલો વાછરડો ?
અમે આવ્યા અને સાથે પૂજાની થાળી
લાવ્યા. આખા ગામની સ્ત્રીઓ ગાય વાછરડાની પૂજા કરવા અધીરી થઈ છે…પણ સાસુ વહુ શું મોઢું લઈને બારણાં ખોલે ?
પૂજા કરવા આવેલી ગામની સ્ત્રીઓ બૂમો પાડી પાડીને કંટાળી અને જ્યાં પાછી ફરવા જાય છે ત્યાં તો ગાય અને પેલો ઘઉંલો (વાછરડો) સામેથી દોડતા આવતાં હતાં અને બધી સ્ત્રીઓની સામે આવીને ઊભા રહ્યાં.
વાછરડાના ગળામાં ફૂટેલા હાંડલાનો કાંઠલો હજુ એમને એમ ભરાયેલો છે. સ્ત્રીઓને નવાઈ લાગી અરે ! ભલા ભગવાન આ તે કેવી નવાઈની વાત ?
વાર તહેવારે દિવસે ગાય, વાછરડાને લોકો ફૂલનો હાર પહેરાવે અને આજ ઘઉંલાને ફૂટેલી ઘેંડલીનો કાંઠલો કોણે પહેરાવ્યો હશે ? પછી તો પેલી સ્ત્રીઓએ વાછરડાના ગળામાંથી કાંઠલો કાઢી ગાય વાછરડાને ફૂલની માળા પહેરાવી.
કંકુનો ચાલ્લો કરી ચોખા ચોડ્યાં, આરતી ઉતારી બધી સ્ત્રીઓ વાછરડાને ફૂલની માળા પહેરાવા લાગી.
આથી વાછરડો આનંદમાં આવી ગાયને ધાવવા લાગ્યો.
આમ વાછરડાનું પૂજન કરી બધી સ્ત્રીઓ ગાય વાછરડાના ગરબા ગાવા લાગી.
અંદર ઘરમાં પુરાઈ રહેલા સાસુ વહું ગરબાનો અવાજ સાંભળી વિચારવા લાગ્યા કે વાછરડો (ઘઉંલો) તો છે મહિને આ ગરબા કેમ ગવાય છે ?
બંનેએ ઊભા થઈને બારણાંની તિરાડમાંથી જોયું તો ગાય ઊભી છે અને ઘઉંલો થૈ થૈ કરતો આનંદથી ધાવી રહ્યો છે.
સાસુને તો નવાઈ લાગી. તેમને લાગ્યું કે હવે બારણાં ખોલવામાં કોઈ વાંધો નથી.
સાસુ વહુ બારણું ખોલી બાર આવ્યા અને ગાય તથા ઘઉંલાની પૂજા કરી અને બે હાથ જોડીને કહ્યુ,‘બહેનો ! તમારાં બધાના વ્રતના પ્રભાવથી જ મારો ઘઉંલો સજીવન થયો છે.’
ત્યારે પેલી સ્ત્રીઓમાંથી એક બોલી,‘માજી શાસ્ત્રોમાં લખ્યું છે કે ગાયમાતાના શરીરમાં તેત્રીસ કરોડ દેવતાઓનો વાસ છે એટલે ગાયમાતાનું વ્રત કરનારની મનોકામના અવશ્ય પરિપૂર્ણ થાય છે.’
પછી ગામની સ્ત્રીઓ સૌ સૌના ઘરે ચાલી ગઈ.
બધાના ગયા પછી સાસુ વહુ ગાય વાછરડાના શરીરે પંપાળવા લાગ્યા. આજે તેમના આનંદનો કોઈ પાર નહોતો. સાસુ વહુ બેયને આમેય ગાયમાતાની ઉપર અનહદ પ્રેમ હતો.
અને હવે શ્રદ્ધા બેઠી. ત્યારથી સાસુ વહુએ બંનેએ દર વરસે બોળચોથનું વ્રત કરવું એવો સંકલ્પ કર્યો અને તે દિવસે દળવું નહિં, ખાંડવું નહિ એવો નિયમ લીધો અને આનંદથી રહેવા લાગ્યા માટે…
હે ગૌરી ગાયમાતા !
તમે જેવા ભોળી સાસુ વહુને ફળ્યાં એવા બોળચોથનું વ્રત કરનારને અને વ્રતની કથા સાંભળનારને તથા લખનારને અને કહેનારને સૌને ફળજો.