અક્ષય તૃતીયા વ્રત કથા | Akshaya Tritiya Vrat Katha In Gujarati
સત્યયુગના આરંભની તિથિ એટલે અક્ષય તૃતીયા
અક્ષય તૃતીયા’ – વૈશાખ સુદ ત્રીજની તિથિનું સ્મરણ થતાં જ, મન અને દ્રષ્ટિ સમક્ષ લક્ષ્મીદેવીના હાથમાં સોનામહોર વેરતાઁ ‘અક્ષયપાત્ર’નું દશ્ય તરવરી રહે છે!
લક્ષ્મી તો શ્રી, સમૃદ્ધિ, સંપત્તિ અને ઐશ્વર્યનાં અધિષ્ઠાત્રી મહાદેવી છે. આ સંદર્ભમાં આપણો ધનભંડાર અક્ષય-ક્ષયરહિત-અખૂટ- ભર્યોભર્યો રહે, એવી ભાવનાથી આપણે અક્ષયતૃતીયાએ લક્ષ્મીદેવીની કૃપા મેળવવા, તેની આરાધના-ઉપાસના કરીએ છીએ.
જ૨-ઝવેરાત, માલમિલકત અને કિંમતી ચીજ-વસ્તુઓની ખરીદી શકીએ છીએ. આ તિથિએ ખરીદેલી સંપત્તિ અખૂટ-અક્ષય બની રહે છે, એવી આપણી પરંપરિત માન્યતા છે. આ સંપત્તિ ભ્રષ્ટાચારના કાળા માર્ગની ન હોય, એ અપેક્ષિત છે.
લક્ષ્મીજી સાથે ભગવાન વિષ્ણુ જોડાયેલા છે. અક્ષયતૃતીયાના અધિષ્ઠાતા દેવ વિષ્ણુ કે યુગલસ્વરૂપ લક્ષ્મી-નારાયણ છે. તેથી આ તિથિના કેન્દ્રમાં લક્ષ્મી- નારાયણનું પૂજન-અર્ચન છે.
અખાત્રીજે તો ભગવાન વિષ્ણુએ પરશુરામ, નર- નારાયણ, હયગ્રીવ અને ગૌતમ બુદ્ધ જેવા ચાર-ચાર અવતારો ધારણ કર્યા, તેથી આ ચારેય અવતારોનું સ્મરણ-પૂજન પણ આ તિથિએ થાય છે.
અક્ષયતૃતીયા કે અખાત્રીજનો ભારે મહિમા છે. આપણા જીવનના મુખ્ય મુખ્ય તહેવારો આ તિથિ સાથે સંકળાયેલા છે.સત્યયુગના આરંભની આ તિથિ છે, તેથી જીવનનાં અનેક શુભ કાર્યો અને પુણ્યકર્મોનો આરંભ અખાત્રીજથી થાય છે.
સત્યમાર્ગે, પુણ્યકર્મોના માર્ગે પ્રસ્થાન કરવાનું આ મહાપર્વ બની રહે છે, સર્વોત્તમ મુહૂર્ત છે.
અન્ન અને જળથી ભરેલા ઘડાઓનું દાન આ તિથિએ કરાય તો ‘મહાદેય’ નામના સ્વર્ગની પ્રાપ્તિ થાય છે, એવું યમરાજનું કથન છે. સત્યયુગના આરંભની આ સ્થિતિએ કરાતાં તમામ કર્મોમાં ‘સત્ય’ કેન્દ્રસ્થાને રહે, તો અક્ષયતૃતીયા ફળદાયી બની રહે. ભગવાન વિષ્ણુ પણ ‘સત્યનારાયણ’ કહેવાય છે.
અક્ષયતૃતીયાએ ભગવાન વિષ્ણુ- લક્ષ્મીના સ્તોત્રોનો પાઠ કરીએ અને સાચા વૈષ્ણવજન બની રહીએ. આજનો દિવસ મંગલમય રહે.
અક્ષય તૃતીયા(અખાત્રીજ) વ્રત કથા ની વિધી
વૈશાખ મહિનાની અજવાળી ત્રીજના દિવસે મહાપુરુષ પરશુરામ જન્મ્યાં હતાં તેથી આ વ્રત કરનાર આ દિવસે દાન કરી જે પુણ્ય કમાય છે તેનો કદી ક્ષય થતો નથી.
એને હંમેશના માટે સ્વર્ગ લોકમાં તેનો વાસ થાય છે.
આ દિવસે ગંગાજીમાં સ્નાન કરનાર વ્યક્તિ લાખ ચોર્યાસીના ફેરામાંથી છૂટે છે.
વળી જો આ દિવસે કૃતિકા અને રોહિણી નક્ષત્ર હોય તો એનો દેવલોકમાં આદર થાય છે.
આ દિવસે ભગવાન પરશુરામના મહત્મ્યને જાણવું.
આ દિવસે ભોજનમાં જવના લોટની વાનગી ખાઈને એકટાણું કરવું.
અક્ષય તૃતીયા વ્રત કથા/વાર્તા
દેવપુરી નગરીમાં કરમચંદ નામનો એક ખૂબ જ ધનવાન વાણિયો તેની પત્ની અને પુત્રો સાથે રહેતો હતો.
તેનું હૃદય ઘણું જ વિશાળ હતું.
તપ ત્યાગમાં એ બધાથી હંમેશા મોખરે રહેતો. સાધુ-સંતોને પોતાને ઘેર બોલાવી પોતે જાતે તેમને પીરસ્તો.
ગામમાં કોઈ પણ ગરીબ જો ભૂખ્યું હોય તો તેને પોતાને ઘેર બોલાવીને તેમને જમાડતો રોજ સવારે ગાય-કૂતરાને ખવડાવતો અને સાંજના સમયે કીડીયારું પૂરતો.
કરમચંદની આ ધર્મ ભાવનાથી અતિ પ્રસન્ન થયેલા પરશુરામ એક દિવેસ સાધુના વેશમાં તે વાણિયાના ઘરે પધાર્યો.
વિણકે ભગવાનને આસન આપી જમાડ્યાં. અને પછી પરશુરામ બોલ્યા,“હે ધર્મિષ્ઠ વણિક !
તું હજું સુધી અક્ષય તૃતિયા વ્રતના મહત્વથી અજાણ છે. આ દિવસે ગંગાસ્નાન કરી પિતૃતર્પણ કર.
કમાઈશ તેનો કદી ક્ષય નહીં થાય. જન્મો જન્મ તારું એ તને કામ આવશે.”
દયા-દાન કર, ઘડાનુ ઘન કર આ દિવસે તું જે કાંઈ પુણ્ય કમાઈશ તેનો કદી ક્ષય નહીં થાય.
જન્મો જન્મ તારું એ તને કામ આવશે.”
અક્ષય તૃતિયા વ્રતનો આવો અપૂર્વ મહિમા સાંભળી કરમચંદે તરત આ વ્રત કરવાનો દ્રઢ સંકલ્પ કર્યો.
વૈશાખ મહિનાની અજવાળી ત્રીજ ૩ એટલે કે અખાત્રીજ આવતાં એણે ગંગાસ્નાન કરી પિતૃતર્પણ કર્યું, સાધુ સંતોનો ભંડારો કર્યો.
અને કુંભમાં સોનામહોરો ભરી. કુંભનું દાન કર્યું, બ્રહ્મભોજન કરાવી મોં માંગી દક્ષિણા આપી.
સર્વ સમૃદ્ધિનું દાન કર્યું. કરમચંદની પત્ની તારામતી પતિને આ રીતે દાન કરતોજોઈ મનોમન ઘુંઘવાતી, પણ કાંઈ બોલી શકતી ન હતી.
સર્વસ્વનું દાન કરી કરમચંદે પૂર્ણ શ્રદ્ધાથી પરશુરામની પૂજા કરી.
જવના રોટલા ખાધા અને આખો દિવસ પરશુરામના ગુણગાન ગાયા. આ વ્રતના પ્રભાવે એની સમૃદ્ધિ વધવા લાગી.
જેમ દાન કરતો તેમ એની સમૃદ્ધિ બમણી થતી હતી.
આ વ્રતના પ્રભાવે બીજા જન્મમાં કરમચંદનો જન્મ રાજકુળમાં થયો અને સમય જતાં એ રાજા બન્યો.
એ જન્મમાં પણ ાનની ધારા ચાલુ જ રાખી તો પણ એનો ભંડાર ભરેલો જ રહેતો.
દાનધર્મથી એણે એટલી બધી કીર્તિ પ્રાપ્ત કરી કે મૃત્યું લોકમાં સો એને ભગવાન માની પૂજવા લાગ્યા. મૃત્યું પછીએ હંમેશના માટે દેવલોકમાં વસ્યો.
જ્યારે દાન-પુણ્યથી મનોમન બળતી તારામતી બીજા જન્મે ગરીબના ઘરે અવતરી અને જનમભર વંધ્યા રહી.
જે કોઈ અક્ષય તૃતીયાનું વ્રત કરશે તેના ભંડાર સા ભર્યા રહેશે.