મહાલક્ષ્મી વ્રત કથા | Mahalaxmi Vrat Katha In Gujarati

મહાલક્ષ્મી વ્રતની વિધિ

આ વ્રત ભાદરવા સુદ આઠમથી શરૂ કરી આસો માસ વદની આઠમ સુધી ચાલે છે.

આ દિવસે લક્ષ્મીજીની પૂજા કરવામાં આવે છે.

સૌથી પહેલાં લક્ષ્મીજીની મૂર્તિને સ્નાન કરાવી નવા વસ્ત્ર પહેરાવવામાં આવે છે.

પછી લક્ષ્મીજીને ભોગ લગાવી અને આચમન કરાવી ફૂલ, ધૂપ, દીપ, ચંદન આદિથી આરતી કરવામાં આવે છે.

આરતી કર્યા પછી પ્રસાદ વહેંચવામાં આવે છે. વ્રત કરનારે રાત્રે ચંદ્રમા નીકળે ત્યારે તેને અર્ધ્ય આપી

સ્વયં ભોજન કરવું.

આ વ્રત કરવાથી ધન-ધાન્યમાં વધારો થાય છે તેમજ સુખ-સમૃદ્ધિ આવે છે અને તમામ પ્રકારના દુઃખ દૂર થાય છે.

મહાલક્ષ્મી વ્રત કથા/વાર્તા

ઘણાં સમય પૂર્વે એક ગરીબ બ્રાહ્મણ એક ગામમાં રહેતો હતો, તે નિયમપૂર્વક વનમાં આવેલા વિષ્ણુના મંદિરમાં જઈને પૂજા કર્યા કરતો હતો.

એની પૂજા-ભક્તિ જોઈ પ્રસન્ન થયેલા ભગવાને એને લક્ષ્મી (ધનાદિ) પ્રાપ્ત કરવાનો ઉપાય બતાવ્યો કે આ મંદિરની સામે એક સ્ત્રી છાણા થાપવા આવે છે.

સવારે આવી તમે એને પકડી પોતાના ઘરે લઈ જવાનો આગ્રહ કરજો અને ત્યાં સુધી એને છોડતા નહીં જ્યાં સુધી એ તમારી સાથે આવવા માટે તૈયાર ન થાય. તે મારી સ્ત્રી લક્ષ્મી છે.

એ તમારા ઘરે આવશે પછી તમારું ઘર ધન-ધાન્યથી પરિપૂર્ણ બની જશે.

આટલું કહી ભગવાન વિષ્ણુ અંતર્ધ્યાન થઈ ગયા અને બ્રાહ્મણ પોતાના ઘરે ચાલ્યો ગયો.

બીજા દિવસે એ સવારે ચાર વાગ્યાથી જ મંદિરની સામે બેસી ગયો. લક્ષ્મીજી છાણા થાપવા આવ્યા ત્યારે બ્રાહ્મણે એમને પકડી લીધા અને પોતાના ઘરે આવી રહેવાની પ્રાર્થના કરવા લાગ્યો.

લક્ષ્મીજી સમજી ગયા કે આ બધુ વિષ્ણુએ કારસ્તાન કર્યું છે.

લક્ષ્મીજી બોલ્યા – તમે તમારી પત્ની સાથે મારું સોળ દિવસ સુધી વ્રત કરો, પછી સોળમા દિવસે રાત્રે ચંદ્રમાની પૂજા કરી અને ઉત્તર દિશામાં મને બોલાવજો.

તેથી તમારા મનોરથ અવશ્ય સિદ્ધ થશે. બ્રાહ્મણે બરાબર એ જ પ્રમાણે કર્યું.

જ્યારે રાત્રે ચંદ્રમાની પૂજા કરી ઉત્તર દિશામાં બ્રાહ્મણે લક્ષ્મીજીને પોકાર કર્યો ત્યારે લક્ષ્મીજીએ પોતાનું વચન પૂરું કર્યું.

આ રીતે આ વ્રત મહલક્ષ્મીના નામથી પ્રસિદ્ધ છે.

હે મા લક્ષ્મી ! જેમ તમે બ્રાહ્મણના ઘરે આવ્યા એ રીતે સૌના ઘરે આવજો. સૌને ધન આદિથી સંપન્ન કરજો.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *