સિદ્ધગણેશની વ્રત કથા | Siddhi Ganesh Vrat Katha In Gujarati
સિદ્ધગણેશ વ્રતની વિધિ
આ વ્રત ગમે તે મંગળવારથી કરી શકાય છે.
આ વ્રત કરનારે ગણપતિજીના પ્રતીકરૂપે ત્રણ સોપારી લઈ તેનું પૂજન કરવું.
તે ત્રણેય સોપારી ભાદરવા સુદ ગણેશ ચતુર્દશીના દિવસે ની, તળાવ કે કૂવામાં લાલ વસ્ત્ર સહિત પધરાવી દેવી.
ચાંદીની વસ્તુ ઉપર દર મંગળવારે પૂજા કરવી.
આ પૂજનથી ધનવૃદ્ધિ ઝડપથી થાય છે.
સિદ્ધગણેશ ની વ્રત કથા/વાર્તા
વર્ષો જૂની વાત છે. ચંદનપુર નામે એક ગામ હતું.
ચંદનપુરમાં મૂળજી મહેતા નામનો એક બ્રાહ્મણ રહે.
મૂળજી મહેતા આમ તો સુખી હતો. તેને કોઈ વાતે કમી ન હતી.
રાજાનો માનીતો બ્રાહ્મણ હોવાથી રાજ-પરિવારની બધી જ ધાર્મિક વિધિ એ કરતો.
આથી પૈસેટકે પણ એ સુખી હતો.
મૂળજી મહેતાની પત્નીનું ગામમાં ખૂબ માન હતું.
તેમનું નામ કાશીબેન હતું. મૂળજીભાઈ અને કાશીબેનને એક પુત્ર હતો.
મૂળજી મહેતાએ પુત્રનું નામ વેદાંત રાખ્યું હતું. ત્રણે જણનો પરિવાર ખૂબ સુખી હતો.
પણ માણસને પોતાનો ભૂતકાળ ખબર હોય છે.
વર્તમાન એ જીવતો હોય છે એટલે જાણતો હોય છે પણ ભવિષ્યથી અજાણ હોય છે.
બીજી જ ક્ષણે શું થવાનું છે તેની તેને ખબર શ્વેતી નથી. એ ગઈકાલ જાણે છે, આજ અનુભવે છે પણ આવતી કાલથી સાવ અજ્ઞાન હોય છે.
કોઈ અન્ય ગામથી એક દુષ્ટ બ્રાહ્મણ આ ગામમાં આવીને રહેવા લાગ્યો.
જાદુઈ ચમત્કારો જેવું કરી એ બ્રાહ્મણે રાજાનો વિશ્વાસ જીતી લીધો.
ગામમાં નવા જ આવેલા એ બ્રાહ્મણનું નામ હતું જટાશંકર.
જટાશંકરની મીઠી મીઠી વાણીએ રાજાને જીતી લીધો.
જટાશંકરની ચડામણીથી અને ખોટેખોટી વાતોથી ભરમાઈને રાજાએ મૂળજી મહેતાને રાજસેવામાંથી છૂટો કરી દીધો.
એક દિવસે જટાશંકર પોતાને જ હાથે પોતાના માથામાં પથ્થરથી ઘા કરી મૂળજી મહેતાના યુવાન પુત્ર વેદાંતે પોતાને પથ્થરથી માર્યો હોવાની રાજા સમક્ષ ફરિયાદ કરી.
રાજાએ વેદાંતને કારાગૃહમાં ધકેલી દીધો.
મૂળજી મહેતા અને કાશીબેનને માથે આભ તૂટી પડ્યું. રાજાએ તેમણે જટાશંકરની મેલી રમતો સમજાવવાની ઘણી મહેનત કરી પણ રાજાએ કહી દીધું : ‘મૂળજી ગોર, તમે અમારી ઘણી સેવા કરી છે એટલે અમે તમને કોઈ સજા કરતા નથી.
પણ હવે પછી જો તમે જટાશંકર વિરુદ્ધ બોલશો તો તમને અને તમારી પત્નીને પણ આજીવન કારાવાસમાં નાખી દઈશું.
તમારા પુત્રને પણ છોડવાની વાત ન કરતા.’
રાજાનો આદેશ સાંભળી મૂળજી મહેતા અને તેમની પત્ની ચોધાર આંસુએ રડ્યાં. હવે શું કરવું ?
કોઈ આવક ન હતી.
ગામના લોકો પણ રાજાના ભયથી મૂળજી મહેતાને ગોરપદું કરવા બોલાવતા નહીં.
મૂળજી ગોરને માથે તો આફતનો પાડ તૂટી પડ્યો. તેમની પત્ની માંદગીમાં પટકાયાં.
પુત્ર જેલમાં. આવકનું કોઈ સાધન નહીં.
હવે તો એક વખતની ઘળ-રોટી ખાવાના પણ સાંસા પડવા લાગ્યા.
અત્યાર સુધી જે કમાયા હતા તે પત્નીની માંદગી પાછળ ખર્ચાઈ ગયું.
પડોશના ગામ નવાનગરમાં હિમાલયથી એક સાધુએ આવીને ઉતારો કર્યો.
લોકો એમની પાસે જઈને પોતપોતાનાં દુઃખો અને વેદના સંભળાવે.
મૂળજી ગોરને પણ એમની પત્નીએ કહ્યું : ‘સાંભળો, નવાનગરમાં મહાન સાધુ આવ્યા છે.
બધાના દુઃખો દૂર કરે છે.
તમે પણ મળી આવો. આપણે કોઈનું કશું બગાડ્યું નથી તો આપણી આવી અવદશા શા માટે ?
તમે જઈને જરા એ સાધુ મહારાજને તો પૂછો !’
મૂળજી ગોરની પત્નીની વાત સાચી લાગી.
સવારના પહેરમાં એ નવાનગર પહોંચી ગયો. સાધુ ગામની બહાર એક ઝૂંપડી બાંધીને રહેતા હતા.
તેમનાં દર્શન માટે હજારો માણસ ઝૂંપડીની બાર ઊભા હતા.
ખાધાપીધા વિના ચૌદ દિવસ લાઈનમાં ઊભા રહ્યા બાદ મૂળજી ગોરનો વારો આવ્યો.
ત્યારે એમનામાં વાત કરવાની પણ શક્તિ નહતી.
જેવા સાધુ સમક્ષ આવ્યા કે મૂળજી મહેતા તો બેભાન થઈને ઢળી પડ્યા.
સાધુએ કમંડળમાંથી પાણી છાંટી મંત્ર ઉચ્ચારતાં મૂળજી ગોર તરત જ ભાનમાં આવ્યા.
સાધુએ તેમને દૂધ અને કેળાં ખાવા આપ્યાં. મૂળજી ગોર એકદમ સ્વસ્થ થઈ ગયા.
મૂળજી ગોર સાધુના ચરણે માથું મૂકીને ખૂબ રડ્યા. સાધુએ તેમને આશ્વાસન આપ્યું.
મૂળજી ગોરે પોતાની બધી જ પીડા સાધુને રડતી આંખે કહી સંભળાવી.
સાધુએ એક હાથ મૂળજી ગોરને માથે મુકી આંખ બંધ કરી દસ મિનિટ એ જ સ્થિતિમાં રહ્યા.
પછી આંખ બંધ રાખીને જ બોલ્યા : હે ભુદેવ, તારા પર ગત જન્મનાં કર્મોનો બોજ છે.
તું આ જન્મમાં એ ભોગવી રહ્યો છે. માણસે કર્મનાં ફળ તો જન્મોજન્મ ભોગવવાં પડે છે.
તેમ છતાં એવાં કર્મનાં ફળ, પાપગ્રહોનું નડતર, શનિની મહાદશામાંથી બચવાનો એક જ માર્ગ છે.
જો હું કહું તેમ કરે તો તારી તમામ મુસીબતોનો અંત આવી જશે.’
મુસીબતથી ત્રાસી ગયેલા મૂળજી મહેતાએ સાધુને પ્રણામ કરતાં કહ્યું : ‘દેવ ! આમ જેમ કહેશો તેમ કરીશ. આપ આજ્ઞા આપો.’ ‘તારે એક વ્રત કરવું પડશે !’ સાધુ બોલ્યા : ‘ભગવાન ગણેશ પરમ કૃપાળુ વિઘ્નહર્તા દેવ છે.
એનું વિધિવત્ પૂજન કરવાથી આ કળિયુગમાં મનુષ્યનાં દુઃખ દૂર થાય છે.’
‘ક્યું વ્રત છે ? એમાં શું કરવાનું ? આપ જેમ કહેશો તેમ કરીશ.’ ઉતાવળે મૂળજી ગોર માથે પડેલી આફતમાંથી ઉગરવા માર્ગ બતાવવા સાધુને કરગરવા લાગ્યા.
આ એક મહાન સિદ્ધિદાયક વ્રત છે.
ભગવાન ગણેશની કૃપા આપતું મહવત છે. એની સિદ્ધિ અપ્રતિમ છે.
અદ્ભુત છે. આ વ્રતનું નામ ‘શ્રી અસ્લ શ્રીગણપતિ માસિદ્ધિ વ્રત’. આ વ્રતનો મહિમા અપરંપાર છે.’
સાધુએ વ્રત વિશે બ્રાહ્મણ મૂળજી મહેતાને જાણકારી આપતાં કહ્યું : ‘આ વ્રતથી આ કળિકાળમાં માનવ ગતજન્મનાં કર્મોથી મુક્તિ મેળવે છે. સર્વ દુ:ખો દૂર થાય છે.
પાપ ગ્રહોની અવદશા ટળે છે. શનિદેવની મહાદશામાંથી મુક્તિ મળે છે.
નિઃસંતાનને સંતાન, નિર્ધનને ધન, બેઘરને ઘર, બેકારને કામ મળે છે.
મૂઠ, મારણ, મંતર-તંતરની મેલી અસરને હઠાવે છે.
આમ કહી સાધુ મહારાજે શ્રી સિદ્ધગણેશના વ્રતનો મહિમા સંભળાવ્યો.
મને કહો એ વ્રત કઈ રીતે કરવું, મારાજ ?
મને કારણ વગર પરેશાનીનાં વાદળોનો અનુભવ થઈ રહ્યો છે.
મને વ્રતવિધિ જણાવીને મારી અવદશામાંથી મુક્ત કરો.’
‘કોઈપણ મંગળવારથી કે કોઈપણ માસની સુદ ચોથથી આ વ્રતનો પ્રારંભ કરવો.
એ પછી જો મંગળવારથી આ વ્રત કર્યું હોય તો સંકલ્પ મુજબ ૭, ૧૧, ૨૧ એમ એકી મંગળવારે દર મંગળવારે વ્રત કરવું.
ચોથથી વ્રત કર્યું હોય તો દર ચોથે વ્રત કરવું. સુદ ચોથથી વ્રત શરૂ કર્યા પછી દર મહિને બે ચોથ (સુદ-વદ) આવે છે એ બંને ચોથે આ વ્રત કરવું.
એક સાથે બે ચોથ આવે તો પ્રથમ ચોથ કરવાનું શાસ્ત્ર સૂચવે છે. વ્રત સંકલ્પ મુજબ પૂરું થયા પછી આ વ્રતનો પુજાપો વ્રત થયા પછી આવતી ભાદરવા સુદ ચૌદસે જળાશયમાં પધરાવી દેવો.
લાડુ બનાવવાની શક્તિ ન હોય તો ગોળની ગાંગડીઓ લાડુને બદલે મૂકી શકાય.’
એ પછી તમામ શ્લોક સાથે આ વ્રત કરવાની વિધિ સાધુ મહારાજે મૂળજી ગોરને સમજાવી.
ગળગળા થઈને મૂળજી ગોરે સાધુને પ્રણામ કર્યા. સાધુએ મૂળજી ગોરને આશીર્વાદ આપ્યા.
ઘરે આવીને મૂળજી ગોરે બીજા જ મંગળવારથી એકવીસ મંગળવારનું વ્રત શરૂ કર્યું.
હજુ ચાર જ મંગળવાર થયા અને ધીમે ધીમે રાજાને બદમાશ બ્રાહ્મણ જટાશંકરના
કરતૂતની જાણ થઈ ગઈ. રાજાએ મૂળજી ગોરની ક્ષમા માગીને તેમની રાજગોર તરીકે સ્થાપના કરી.
તેમના પુત્ર વેદંતને જેલમાંથી મુક્ત કરી મોટી જાગીર ભેટ આપી.
મૂળજી ગોરના પત્ની પણ તંદુરસ્ત થઈ ગયાં.
૨૧ મંગળવાર પૂર્ણ થતાં વિધિવત્ પૂર્ણાહુતિ કરી મૂળજી ગોરે ગુમાવેલો તમામ વૈભવ પરત મળ્યો.