ઘરો આઠમ ની વ્રત કથા | Dharo Atham Vrat Katha In Gujarati
ઘરો આઠમ વ્રતની વિધિ
ભાદરવો માસ આવે…સુદ આઠમ આવે એટલે તે દિવસે ધરોની પૂજા કરવી.
અબીલ, ગુલાલ, કંકુ તેમજ ફૂલ લઈને ચઢાવવા અને પ્રણામ કરીને પ્રાર્થના કરવી કે આપની જેમ જ અમારા વંશવેલાનો વિસ્તાર થાય.
આઠમ કરીએ એટલે તે દિવસે સાતમના દિવસે રાંધેલું ટાઢું ભોજન જમવામાં લેવું.
ઘરો આઠમ વ્રત કથા/વાર્તા
એક ગામમાં સાસુ અને વહુ રહે છે.
ડોશીની દીકરી ગામમાં નાની એવી ઘટડી ખોલીને ગામમાં વ્યાપાર કરે છે, પણ વ્યાપાર જોઈએ તેટલો ચાલતો નથી.
એટલે દીકરાને મદદરૂપ થવા સાસુ વહુ ખેતરે મજરી કરવા જાય અને આમજીવન ગુજારે.
ગરીબાઈ હોવા છતાં વહુ ધાર્મિક તેથી વારતહેવારે વ્રત કરે અને પ્રભુભક્તિમાં શ્રદ્ધા રાખી કામકાજ કરે.
એવામાં ધરો આઠમ આવી.
એ દિવસે સાસુ-વહુએ ધરો આઠમનું વ્રત કર્યું. બપોર થતાં સાસુએ વહુને કહ્યું, “વહુ ! જાવ ખેતરમાંથી ઘાસ વાઢી લાવ.”
વહુ કહે, “બા ! આજે ધરો આઠમનું વ્રત છે. માટે આજેહું ઘાસ નહીં વાઢું.”
સાસુએ કહ્યું, “તું ન વાઢે તો કાંઈ નહીં. હું વાઢીશ. પણ તું ઘાસની ભારી તો ઉપાડીશને ? હલ મારી સાથે.”
સાસુ-વહુ તો ખેતરે ગયા. ખેતરે જઈને સાસુ બોલ્યા, “એમ કર વહુ, તું ધરો-ધરો છોડીને એકલું ઘાસ વાઢ.”
વહુ સાસુને ના કહી શકી નહીં અને એ તો ધરો છોડીને ઘાસ વાઢે છે.
ઘાસ વાઢીને સાસુ-વહુ બેય ઘરે જવા ગામ તરફ ચાલ્યા.
ત્યાં તો રસ્તામાં પાડોશીને છોકરો દોડતો આવ્યો અને બોલ્યો, “તમારું ઘર ભડકે બળે છે. માટે જલદી ચાલો.”
વહુને તો ફાળ પડી. “હાય…મા, મારો દીકરો ઘરમાંઘોડિયામાં સૂતો છે.”
આટલું બોલતાંકને ઘાસની ભારી નીચે ફેંકીને દોડવા લાગી.
આ બાજુ તો આખું ઘર બળીને ભસ્મ થઈ ગયું.
ઘરનું છેલ્લું બારણું સળગતું હતું તે પડવાની તૈયારીમાં હતું. વહુ તો પોતાનો દીકરો અંદર છે માટે દાઝવાની પરવા કર્યા વગર બારણાને પાટું મારતાંકને બારણું પાડી ઘરમાં દોડી ગઈ.
જોયું તો ઘરનું બધું રાચરચીલું બળીને ખાખ થઈ ગયું હતું.
ત્યાં જ ઘોડિયા ઉપર નજર પડી તો આજુબાજુ લીલોછમ ધરો કેડ સધી ઊગી નીકળ્યોછે અને દીકરો હેમખેમ છે ને અંગુઠો ધાવે છે.
વહુએ તો ઝડપથી પોતાના દીકરાને તેડી લીધો એ ધરોમાને પ્રણામ કરી બહાર નીકળી ગઈ.
દીકરો બચી ગયો. સાસુએ વહુનું કહ્યું માન્યું નહીં અને બધું ઘાસ વાઢ્યું અને સાથે ધરો પણ વાઢ્યો..તેથી તેનું સર્વસ્વ બળી ગયું, જ્યારે વહુએ તો ધરો છોડીને બાકીનું ઘાસ વાઢ્યું તો તેનો દીકરો હેમખેમ બચી ગયો.
આમ વહુને જેમ ધરો આઠમ ફળ્યા તેમ આ વ્રત કરનાર સૌને ફળજો.