સામા પાંચમની વ્રત કથા | Sama Pancham Vrat Katha In Gujarati

સામા પાંચમ ની વ્રતની વિધી

ભાદરવા સુદ પાંચમ આવે, આ પાંચમને ‘સામાં પાંચમ’ કહે છે.

આ વ્રત કરનારે સવારે વહેલા ઊઠી જવાનું. અઘેડાનું દાતણ કરવાનું, માટી ચોળી નહાવાનું, આંબળાની ભૂકીથી માથું ચોળીને માથા બોળ નહાવાનું. આખો દિવસ ઉપવાસ કરવાનો.

ખાવામાં સામો ખાવો તથા ફરાળ લેવું. અનાજનો ઘણોય ખાવાનો નહીં.

મહાદેવજીની પૂજા પ્રાર્થના કરવાની. આમ પાંચ વર્ષ સુધી સામા પાંચમનું વ્રત કરવાનું પછી સામા પાંચમનાં વ્રતનું ઉજવણું કરવું. ઉજવણામાં શક્તિ મુજબ બ્રાહ્મણોને ભોજન કરાવવું.

દાન દક્ષિણા આપવી અને સપ્ત ઋષિઓનું અરુંધતી સહિત પૂજન કરવાનું.

સામા પાંચમ ની વ્રત કથા/વાર્તા

પહેલાના સમયમાં એક ગામમાં એક બ્રાહ્મણ તથા બ્રાહ્મણી રહેતા હતાં.

ગામના પાદરે ભગવાન શંકરના મંદિર પાસે આ બ્રાહ્મણનો આશ્રમ હતો. આજુબાજુના ગામમાંથી અને એ ગામનાં બાળકો અ આશ્રમમાં આવીને બ્રાહ્મણ ગુરૂ પાસેથી વિદ્યા પ્રાપ્ત કરે.

આ બ્રાહ્મણ બ્રાહ્મણીને સંતાનમાં એક પુત્ર હતો તથા એક પુત્રી હતાં.

દીકરી નાની ઉંમરે વિધવા થયેલી તેથી માતા પિતાની પાસે જ આશ્રમમાં રહે.

એક દિવસ આશ્રમના છોકરાએ જોયું કે એક ઝાડ નીચે બહેન પડ્યા છે.

પાસે જઈને જોયું તો તેમના આખા શરીરે કીડ પડ્યાં છે.

બાળકો તો દોડતાં આશ્રમમાં આવ્યાં અને બ્રાહ્મણને કહ્યું,“ગુરુજી !

એક બહેન આશ્રમની બહાર એક ઝાડ નીચે પડ્યાં છે અને તેમના આખા શરીરમાં કીડા પડ્યાં છે.”

બાળકોની વાત સાંભળી બધા આશ્રમની બહાર જ્યાં બહેન પડ્યાં છે.

ત્યાં આવ્યા અને જોયું તો ખરેખર બાળકોની વાત સાચી હતી.

બહેનને ઉઠાવીને આશ્રમમાં લાવ્યાં.

પછી બ્રાહ્મણ ગુરુજીએ ધ્યાનમાં જોયું તો પોતાની પુત્રી પરભવમાં એક વાણિકની સ્ત્રી હતી અને સ્ત્રીનો રજસ્વાલા ધર્મ પાળતી નહોતી.

તદ્ઉપરાંત આસપાસમાં સ્ત્રીઓ જ્યારે માસિક ધર્મ પાળે તો આ બાઈ તેઓની મશ્કરી કરે. અને તેથી આ ભવમાં તેણી વિધવા થઈ અને રજસ્વાલા ધર્મ નહી પાળતી હોવાથી તેનાં શરીરમાં કીડા પડ્યાં.

ધ્યાનમાં સર્વે હકીકત જાણી બ્રાહ્મણે પોતાની પત્નીને બધી વાત કહી.પત્નીએ કહ્યું,“ત્યારે તો મારી દીકરી અત્યારે પરભવના કર્મોનું ફળ ભોગવી રહી છે. પણ નાથ !

ગમે તેમ તોય આપણી દીકરીનું દુઃખ મારાથી જોઈ શકાતું નથી.

માટે તેના એ કર્મોનું નિવારણ કાંઈક તો હશે જ ને ?”

બ્રાહ્મણે કહ્યું “હા…! નિવારણ તો છે જ દીકરીએ સામા પાંચમના વ્રતનો પરભવમાં અનાદર કર્યો છે અને એજ વ્રત આ ભવમાં જો સાચી શ્રદ્ધાથી ભક્તિભાવ પૂર્વક કરે તો એના કરેલા કર્મોથી થયેલા પાપનું નિવારણ થાય અને તેની કાયા પ્રભુકૃપાથી જેમ હતી તેમ સુંદર કંચન વર્ણી થાય.”

દીકરીએ માતા-પિતા વચ્ચે થતી આ સર્વે વાત સાંભળી તેથી જ્યારે તેના માતા-પિતા તેની પાસે આવ્યા ત્યારે બોલી, “પિતાજી ! મેં બધી વાત સાંભળી છે.

માટે હું સામા પાંચમનું વ્રત શ્રદ્ધાથી કરીશ માટે આપ મને તેની વિધિ કહો.”

બાહ્મણે કહ્યું, “બેટા !

ભાદરવા સુદ પાંચમના દિવસે વહેલા ઊઠી અઘેડાનું દાતણ કરવાનું પછી શરીરે માટી ચોળી આમળાંની ભૂકીથી માથું ચોળી માથાબોળ નાહીને સ્વચ્છ કપડાં પહેરવા.

પછી ધૂપ કરી અરુંધતી સહિત સપ્ત ઋષિઓનું ધ્યાન કરવાનું.

આમ સામા પાંચમની કથા વાંચવાની કહેવાની કે સાંભળવાની.

ભોજનમાં સામો લેવાનો ફળ ફળાદિ ખાવાના ઉગાડેલું અનાજને ખાવાનું નહીં અને પછી મહાદેવજીના મંદિરે જવાનું ભગવાનના દર્શન કરવા.

આવી રીતે પાંચ વર્ષ સુધી વ્રત કરી ત્યારબાદ તેનું ઉજવણું કરવાનું.

ઉજવણામાં અરુંધતી સહિત સપ્ત ઋષિઓનું પૂજન કરવાનુ બ્રાહ્મણો ને ભોજન કરાવી દાન દક્ષિણા આપવી.”

બહેને વિધિ પ્રમાણે વ્રત કર્યું. પાંચ વર્ષ પછી ઉજવણું કર્યું અને બહેનને વ્રત ફળ્યું.

તેણીની કાયા ખરેખર કંચનવર્ણી બની ગઈ.

આમ હે સપ્ત ઋષિ મુનિઓ !

જેવા આપ બહેનને ફળ્યાં તેવા સહુને ફળજો.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *