પુરુષોત્તમ માસની કથા | Purushottam Mas Katha In Gujarati
પુરુષોત્તમ માસની વ્રતની વિધી
દર ત્રણ વર્ષે અધિક માસ આવે છે.
આ માસ સર્વ પાપના ક્ષય માટે છે કારણ કે આ માસ પુરુષોત્તમ ભગવાનનો છે.
રોજ પ્રાતઃકાળે નદીસ્નાન કરવું. ઘેર આવી પૂર્ણ શ્રદ્ધાથી કુંભની (ઘડો) પૂજા કરવી.
આખો મહિના અખંડ દીવો બાળવો. તુલસી અને પીપળાની પૂજા કરવી.
આખો મહિને ભોંય પથારી પાથરીને સૂવું. આખો મહિનો એકટાણા કરવા. પુરુષોત્ત માસ પૂર્ણ થયે બ્રહ્મભોજન કરાવવું. શક્તિ પ્રમાણે દક્ષિણા આપી કોરા વસ્ત્રનું દાન કરવું. શ્રદ્ધાપૂર્વક આ વ્રત કરનાર પર પુરુષોત્તમ પૂર્ણ કૃપા કરે છે.
પુરુષોત્તમ માસની વ્રતકથા/વાર્તા
પહેલાના સમયની આ વાત છે.
સીતાપુર નામે એક ગામમાં એક શેઠ અને એક શેઠાણી રહે.
શેઠ-શેઠાણીને સર્વે વાતે સુખ છે પણ પુત્ર નથી. આખું જીવન વીતી ગયું.
શેઠને પુત્ર સુખની પ્રાપ્તિ થઈ નહીં. શેઠ-શેઠાણી ધાર્મિક ભાવનાવાળા છે.
તેમને એક વાતનો ભરોસો છે કે ગમે તેમ પણ હજુય ભગવાન નારાયણની સેવા પૂજા મિથ્યા થશે નહીં.
કોઈક સમયે તો પ્રભુ કૃપા કરશે. આમ શ્રદ્ધા રાખીને વાર તહેવાર વ્રત ઉપવાસ કરે છે.
એવામાં અધિક માસ આવે છે. શેઠ-શેઠાણીએ પુરુષોત્તમ માસનું વ્રત કરવાનું નક્કી કર્યું.
અધિક માસના પહેલા દિવસથી જ વહેલા ઊઠી નદીએ નાવા જાય.
પુરુષોત્તમ ભગવાનની સ્થાપના કરીને કુંભનું પૂજન કરે, પછી કથા વાર્તા સાંભળે ને દેવ દર્શને જાય.
આમ વ્રત નિયમ પાળીને પછી જ એક ટાણું જમે રાત્રે ભજન કીર્તન કરે.
એવામાં શેઠાણીને વિચાર આવ્યો કે જો કોઈ કામ કરવાવાળું હોય તો ઘણી નવરાશ મળે.
અને એટલી પ્રભુ ભક્તિ વધારે થાય. એમ વિચારી પેઢીએથી શેઠ જેવા ધરે આવ્યા કે તેમને કહ્યું, “આપણા ઘરમાં જો વહુ હોય તો કામકાજમાં કેટલી શાંતિ થાય ! વળી એટલો સમય ભગવાનનું વધારે ભજન થાય. માટે ગમે તેમ મને વહુ લાવી આપો.”
શેઠ કહે,“ગાંડી રે ગાંડી ! દીકરા વગર કાંઈ વહુ આવે ?”
તેમ છતાં શેઠાણીએ જીદ લીધી. તમે વહુ લાવો તો જ નહી તો નહીં કોઈની સાથે વાત ચીત કરો અને કહ્યું કે અમારો દીકરો કાશીએ ભણવા ગયો છે.
ભણીને એક માસમાં આવશે એટલે ચોથો ફેરો ફેરવીશું અત્યારે આની સાથે ત્રણ ફેરા ફેરવો.
શેઠાણીની વાત સાંભળી શેઠ તો ખભે ફાડીયો નાંખીને ઉપડ્યાં છે.
એક ગામમાં પૂછ્યું…બીજે ગામ પૂછ્યું…એમ કરતાંકરતાં આગળ જાય છે.
ત્યાં વળી એક નગર આવ્યું. શેઠ તો નગરમાં ગયાં ત્યાં જઈને બે ચાર શેઠિયાઓને વાત કરી તો એમાના ત્રણે જણે કહ્યું,“ઓ…હો…હો…એમાં તે શું !
હું મારી કન્યા આપું છું.
અને સોના મોરની પેટી સાથે કન્યા ત્રણ ફેરા ફેરવાઈ વિદાય લઈ શેઠ અને વહુ પોતાના ગામ સીતાપુર આવ્યા.
શેઠાણીએ તો વહુનું મોઢું જોઈને દુઃખણાં લીધાં. આખું ઘર બતાવી ઘરકામ સોંપ્યું.
વહુ તો આનંદથી રહેવા લાગી. ઉત્સાહ અને ઉમંગથી કામ કરે છે.
અને વિચારે છે કે એક માસને જતા વાર કેટલી ? આમ વિચારતાં ઉમંગભેર સાસુ સસરાની સેવા કરે છે.
એકવાર તેણીને સાંબેલાની જરૂર પડી.
તેથી બાજુમાં રહેતાં પડોશીના ત્યાં ગઈ અને બોલી,“ભાભીજી…ભાભીજી ! તમારું સાંબેલું આપોને.
થોડીવારમાં પાછું આપી જઈશ.”
પેલી પાડોશણ તાજુકો કરતાં બોલી,“એય બાઈ !
તું કોને ભાભી કહે છે ? તું જેને સાસુ-સસરા કહે છે એમને વળી દીકરોકેવો ને વાત કેવી ? તે તું મને ભાભીજી કહે છે ?”
વહુને તો પાડોશણની વાત સાંભળી ઘણું જ દુ:ખ થયું.
પોતાને ઘરે આવી રડવા લાગી. થોડીવાર સાસુ-સસરા દેવદર્શનથી પાછા આવ્યા અને જોયું તો ઘરકામ એમને એમ પડ્યું છે.
નક્કી કાંઈક બન્યું છે.
નહીં તો આમ થાય નહીં.
સાસુ બોલ્યા ને વહુને પાસે બોલાવી તેના મનને આનંદ થાય તેમ વિચારી સાસુએ પોતાના ઘરના કોઠારોની ચાવી વહુને આપી અને બોલ્યા,“વહુ બેટા !
લો આ કોઠારોની ચાવી. સાત કોઠાર છે એમાંથી છ કોઠારોમાં સોના, ચાંદી, હીરા, ઝવેરાત, અનાજ તથા સુકામેવા છે.
છ કોઠારો ખોલજો પણ સાતમો કોઠાર ખોલશો નહીં.
છેલ્લા કોઠારમાં પુરુષોત્તમ ભગવાનની સ્થાપના કરી હતી તે કોઠાર ખોલવાની ના પાડી હતી.”
વહુએ તો એક પછી એક છ કોઠારો ખોલીને જોયું તો સાસુસસરા વાત સાચી હતી.
પુષ્કળ જર-ઝવેરાતથી ભરચક કોઠારો ભરેલાં હતાં.
પછી સાતમાં કોઠાર પાસે આવી મનમાં વિચાર કર્યો કે, એવું તે શું આ કોઠારમાં સાસુજીએ સંતાડ્યું હશે તે ખોલવાની ના કહી, લાવને ખોલીને જોઉં તો ખરી કે છે શું ?
આમ વિચારી વહુએ તો સાતમો કોઠાર ખોલ્યો, ત્યાં તો તેણીને તેમાં અસંખ્ય પારસમણી જાણે ઝગારા મારી રહ્યા હોય તેવો પ્રકાશ દેખાયો.
જરા વધારે અંદર વાંકા વળીને જોયું તો એક દિવ્ય પુરુષ આસન જમાવીને બેઠો છે. આ સામે ભગવાનની સ્થાપના કરી છે. હાથમાં પોથી છે.
સામે ઘીનો દીવો પ્રગટે છે. વહુ તો આવું દૃશ્ય જોઈને મૂંઢની જેમ ઊભી રહી.
ત્યાં તો પેલા દિત્ર પુરુષે કહ્યું,“તમને મારા માતા-પિતાએ કોઠાર ઉઘાડવાની ના કહી હતી છતાંય તમે ખોલ્યો કેમ ? મારા અભ્યાસમાં ખલેલ પહોંચાડી.”
વહુએ પોતાની નજર સમક્ષ બેઠેલાં દિવ્ય પુરુષની માફી માંગતા કહ્યું,“મારી ભૂલ થઈ છે માટે મને માફ કરો.
આ કોઠારમાં એવું તે શું છે કે મને કોઠાર ખોલવાની ના કહી. મેં કૃતુહલવશ થઈને કોઠાર ખોલ્યો.”
પેલા દિવ્ય પુરુષે કહ્યું,“ઠીક પણ હવે તમે કોઠાર બંધ કરો હજુ મારે અભ્યાસ પૂર્ણ થવાને એક માસની વાર છે.
મારા માતા-પિતાનું વ્રત પૂર્ણ થાય અને તેઓ વ્રતનું ઉજવણું કરે ત્યારે મન ખબર કરજો, જેથી હું ત્યારે તમારી સાથે લગ્ન કરીશ.” આ સાંભળવા વહુ તો આનંદ વિભોર થઈ ગઈ.
પછી તો પુરુષોત્તમ માસ પૂરો થયો છે. સાસુ-સસરા વ્રતનું ઉજવણું કરવાની તૈયારી કરવા લાગ્યા અને વહુ આખા ગામમાં નોંતરુ દઈ આવી કે તમારે બધાએ અમારે ત્યાં જમવા આવવાનું છે.
વ્રતના ઉજવણા નિમિત્તે અને મારા લગ્ન નિમિત્તે.
વહુની વાત સાંભળી ગામના લોકોને દયા આવી કે બિચારીનું ચિત્ત ભ્રમ થઈ ગયું લાગે છે.
છતાંય ચાલો તો ખરાં શું થાય છે તે જોઈને અને ગામના બધા લોકો વહુને ઘેર આવ્યાં. વહુએ તો પોતાના લગ્ન માટે ચોરી બંધાવી અને સાસુ-સસરાને કહ્યું કે ગોર મહારાજને બોલાવો.
તમારા દીકરાને બોલાવો અને મારા અધૂરા લગ્ન ચોથા ફેરા ફેરવી પૂર્ણ કરાવો.
વહુની વાત સાંભળી સાસુ-સસરાને ચિંતા થવા લાગી કે હવે શું થશે ?
દીકરો તો છે નહીં…વહુને શો જવાબ દેવો ? આમ વિચાર કરે છે ત્યાં તો વહુ બોલી, સાસુમાં લાવો હું જ તમારા દીકરાને બોલાવી લાવું છું.
એમ કહી વહુ તો સાતમાં કોઠાર આવી કોઠાર ઊઘાડી પુરુષોત્તમ ભગવાનને બોલાવી ગઈ. વહુને તો એમ જ હતું કે આજ મારા સાસુ-સસરાનો દીકરો અને મારો પતિ છે.
પણ એ તો દિવ્ય પુરુષ ભગવાન પુરુષોત્તમ પોતાના ભોળા ભક્તોની લાજ રાખવા આવ્યાં હતાં.
આ બાજુ સાસુ-સસરાએ આ દિવ્ય પુરુષને જોયાં કે સમજી ગયા કે ભગવાને લાજ રાખી.
પોતે સ્વયં પુત્ર બનીને આવ્યાં. દીકરાને વહુ ચોરીમાં બેઠાં ચોથો ફેરો ફરીને ઉઠ્યાં અને માતા-પિતાને પગે લાગ્યાં.
આમ કે પુરુષોત્તમ ભગવાન ! આપ જેવા શેઠ- શેઠાણીને ફળ્યા તેવાં સહુને ફળજો.
Super helpful