મા આશાપુરા ની વ્રત કથા | Ashapura Mataji Vrat Katha
મા આશાપુરા ની વ્રત કથા/વાર્તા
એક ગામ હતું.
એ ગામમાં એક ક્કર વેપારી રહેતા હતા.
આ ઠક્કર ભાઈને ગામમાં પોતાનું ઘર હતું.
નાનું ગામ એટલે ઘરમાં જ અનાજ-કરિયાણાની દુકાન હતી. ઠક્કરને ખાધા- પીધા વહેવાર પૂરતું દુકાનમાંથી મળી રહેતું.
આ ઠક્કર ભાઈને સ્ત્રી હતી.
એક પુત્ર અને એક પુત્રી એમ બે બાળકો હતાં.
ઠક્કર ભાઈનું મેધજી ઠક્કર ને એની પત્નીનું નામ વહાલ કુંવર.
મેધજી ઠક્કર સ્વભાવે દરેકમાં ભળી જાય. ધર્મ ભાવનાવાળો.
વળી ધર્મ અને ઈશ્વરથી ડરીને ચાલવાવાળો માણસ. સતવચન વદનારો સાચુકલો માણસ.
આથી ગામમાં પાંચ માણસમાં પૂછાય એવી એની આબરૂ પણ.
નામ પ્રમાણે એની પત્ની વહલકુંવર સ્વભાવે કર્કસ વાણી એવોજ બીજા સાથેનો વ્યવહાર.
નામ વાલી પણ ગામ આખાને એના સ્વભાવથી વલી લાગે.
પણ મેધજી ઠક્કરના મિલનસાર સ્વભાવની સુવાસથી ગામ લોકો વાલીના વર્તનથી ગમ ખાઈ જાય. મરશે, મરવા દોને, એનો સ્વભાવ ચિડીયલ છે.
પણ મેઘજીભા તો બસ જલારામ છે અને એની આંખ આડી આવે છે, આમ ગામ લોકો અંદરોઅંદર વાતો કરે છે.
મન મનાવી લે છે. મેઘજીભાના કાનેય આ વાત આવી ગયેલી ને એમણે પોતાની પત્નીને સમજાવવા ઘણીવાર પ્રયત્ન કરેલો પરંતુ સફળ થયા નહોતા અને પછી તો એમણે પણ એ પ્રયત્ન મુકી દીધેલાં.
એમ વિચારીને કે આ બાઈ સુધરવાની નથી. કારણ કે“પડી પટોળે ભાત, ફાટે પણ ફિટે નહીં.”
મરશે ત્યારે લાકડામાં જશે ત્યારે જ ભલે સુધરે, આમ મેઘજીભાનો સંસાર ગબડે છે.
વખત જતાં દીકરી મોટી થઈ ને ગોર મદ્યરાજને કહેલું કોઈ સારું ઘર ને સારો મુરતિયો શોધી લાવો એટલે દીકરીનું લગ્ન કરીએ.
આમ ગોર મહરાજને સોંપાયેલું કામ પૂર્ણ કરીને આવ્યા.
પછી તો સામસામે એકબીજાનું ઘર-વર-કન્યા જોઈને સારા દિવસે ને ચોઘડીયા લગ્ન લેવાઈ ગયાં.
દીકરી વળાવ્યાનો સંતોષ મેઘજીભાના ચહેરા ઉપર વર્તાઈ આવતો. આમ ને આમ એક વરસ થયું. દીકરી બે-ત્રણ વાર ઘરે આવી ગયેલી. માતા વહાલકુંવર સાથે જ્યારે આવે ત્યારે થોડી ગુસપુસ કરી લેતી.
આ ગુસપુસની જાણ મા-દીકરીએ મેઘજીભાને થવા દીધેલી નહિ. એક દિવસ વાલકુંવરે મેઘજીભાને થવા દીધેલ નહીં.
એક દિવસ વહલકુંવરે મેઘજીભાને બધી વાતની જાણ કરતાં કહ્યું, “સાંભળો છો.
હવે એક પણ દિવસ મારી છોડી ત્યાં નહીં રહે. દીકરી ને જમાઈ આપણે ત્યાં રાખવાના છે.
એ અહીં રહેશે ને જમાઈ તમને ધંધામાં મદદ કરશે ને દીકરી ઘરકામમાં.
બસ, આ એક જ વાત. બીજી વાત જ નહિ. માટે તમે કાલે જ વેવાઈને ગામ જાવ અને દીકરી જમાઈને અહીં તેડી લાવો.
તો જ હા નહિ તો ના. આ મારી વાત ને વિચારમાં કોઈ ફેર પડવાનો નથી. ને તમારી કોઈ વાત સાંભળવાની નથી.”
પત્નીની જીદ પાસે મેઘજીભા લાચાર થઈ ગયા.
મનમાં વિચાર્યું આ વાતે ઘરમાં કંકાસ ઊભો કરવાનો ને ? આ જડ છે.
લીધેલી જડ છોડશે નહિ. સમજાવ્યે સમજવાની નથી.
ખેર, એમ વિચારી મેઘજીભા બીજા જ દિવસે વેવાઈને ત્યાં ગયા. આમતેમ વાત કરી દીકરી જમાઈને તેડી લાવ્યા. જમાઈ હવે સાસરે જ રહેશે.
ગામમાં વાતની ખબર પડી. ગામલોકો અંદરોઅંદર નીતનવી વાતો કરવા લાગ્યા પણ મેઘજીભાને કોઈએ કાંઈ પૂછ્યું નહીં.
આમ ને આમ સમય વિતતો ગયો.
મેઘજીભાનો દીકરો પણ યુવાન થઈ ગયો.
એટલે મેઘજીભાએ દીકરાને પરણાવવાની વાત વહાલકુંવરને કરી.
મેઘજીભાની વાત સાંભળી વાલકુંવર રાજી થઈ ગઈ.
કઈ મા રાજી ન થાય ?
ખાનદાન કુટુંબની ખાનદાન, સંસ્કારી ને સુંદર કન્યા જડતા પુત્રના લગ્ન કરી દીધાં.
વહુ ઘરે આવી છે. દીકરાનું નામ આનંદ ને વહુ આવી તો એનું નામ મંગળા ગૌરી. વાહ !
મેઘજીભા વાહ ! ઘરમાં આનંદ-આનંદ ને હવે તો જોડે મંગળ વરતાયો.
(મંગળા) એટલે હવે તો તમારે ઘરે આનંદ-મંગળ જ થઈ ગયો. વાહ ! મેઘજીભાની દુકાને ગામના પાંચ મોટા માણસ આવી બેઠા છે અને મેઘજીભાના નસીબની સરાહના કરે છે.
મેઘજીભા કહે છે, ભાઈઓ ! આ તો પ્રભુ કૃપા જ સમજો.
મંગળા વહુએ પણ નામ પ્રમાણે જ ગુણ બતાવવા માંડ્યાં. નણંદ ને બહેન બહેન કરે ને બહેનના હાથમાંજે કામ હોય તે લઈ લે ને પોતે કરવા લાગે.
અને કહે, “બહેન ! તમારે કોઈ કામ કરવાનું નહીં. હું છું ને.” સાસુને ય કોઈ કામ કરવા ન દે, “બા ! તમારે પણ હવે કોઈ કામ કરવાનું નથી. હું છું ને !”
આમ આખાયે ઘરનું સવારથી સાંજ સુધીનું કામ માથે ઉપાડી લીધું. સાસુને દેવદર્શન કરવાનું કહે, નણંદને આડોશપાડોશમાં ગપાટા મારવાનું કહે ને પોતે કામમાં જોતરાઈ જાય.
વહુની આ રીતભાત ખાનદાની ને સંસ્કાર જોઈને ગામની વહુવારૂઓ અચરજ પામી ગઈ. કોઈ કહે, ભા !
આ તો મેઘજીભાના પુણ્યપ્રતાપે જ વહુ ખાનદાન મળી છે. નકર આવી સુંદર-ગુણીયલ ને વળી ખાનદાન-સંસ્કારી વહુ વદ્યલકુંવરને નસીબ ના હોય.
આમ થોડા જ સમયમાં મંગળા વહુ ગામ આખાની પ્રિય થઈ પડી છે.
ગામમાં નાના-મોટા સૌ મંગળાવહુનું માન સાચવે અને ગામની વહુઓને સાસુઓ મંગળા વહુનો દાખલો આપે ને કહે, જુઓ, વર્ષ તો આને કહેવાય.
તમારામાં હોય નહિ તો આ મંગળા વહુને જોઈનેતો કાં’ક શીખો.
પરંતુ કુદરતની અકળ લીલાનો પાર કોઈ પામી શક્યું નથી.
મંગળા વહુની આવી વાહ-વાહ થતી સાંભળીને નણંદના મનમાં તેલ રેડાય છે. પોતાના ઉપર લોકો અંદરખાને થૂ-થૂ કરે છે ને આ કાલની આવેલીના વખાણ કરે છે. નણંદના મનમાં ભડકો થયો છે.
ઈર્ષા થવા લાગી અને પછી તો મનમાં વહુને પાછી પાડવાના પેતરા ગોઠવવા લાગી. વાત વાતમાં વાંધો ને વચક પાડે છે. ન કહેવાના વેણ સંભળાવે છે.
પરંતુ મંગળા વહુ આ બધું મન ઉપર લેતી નથી.
એક દિવસ તો હદ થઈ ગઈ છે. મંગળા વહુ પાણી ભરવા ગઈ છે ને કૂવેથી પાણી ભરી માથે બેડુ ને કાંખમાં માટીનો ઘડો ભરીને આવતા રસ્તામાં ઠોકર વાગતા બેડું પડી ગયું.
ત્રાંબાના બેડાને મોટો ઘોબો પડી ગયો. કાંખમાંથી માટીનો ઘડો છૂટી જતા પછડાયો ને ફૂટી ગયો.
મંગળા વહુના અંગુઠામાંથી લોહી વહે છે. ઘેર આવે છે ને નણંદ જુએ છે.
બસ ભડકો થયો.
જેમતેમ બોલવા લાગી. પાટો બાંધવો તો એક તરફ રહ્યો ને કાનના કીડા ખરી પડે તેવા કટુ વચનોનો વરસાદ વરસાવી આખા ઘરને નણંદે માથે લીધું.
આટલું ઓછું હોય તેમ સાસુ વાલકુંવર પણ નણંદના પાટલે બેસી ગઈ.
વહુમંગળાને એ પણ જેમ તેમ બોલવા લાગી. મંગળા વહુ રડી પડી. પાસપડોસણો પણ કહેવા લાગી, હવે હદ કરો. વહુનો વાંક નથી.
ઠોકર વાગી ને બેડું પડી ગયું એમાં આટલો બધો હોબાળો શાને કરો છો ?
પણ કોણ સાંભળે ? નણંદ આવો સરસ મોકો જવા દે ?
આટલું ઓછું હોય તેમ નણંદ બોલી બે-બે વરસ થયાં લગ્ન કરે પણ છે એના નસીબમાં બાળક ?
અરેરે…મારો ભાઈ શું પુત્ર વગર જ રહેશે ?
વાંઝણી તે કાંઈ પુત્ર વતી થતી હશે ?
આવું જ્યાં નણંદે કહ્યું ને મંગળા વહુના કાળજે ઘા વાગ્યો.
સહન થયું નહિ. કાંઈપણ બોલ્યા ચાલ્યા વગર બાઈ ઘરની બાર નીકળી ગઈ. ગામને પાદરે વહેતી નદીને કિનારે એક ઊંચી ભેખડ ઉપર પહોંચી ને બે ગ્રંથ જોડી કહેવા લાગી, “હે મા !
મને તારે ખોળે સમાવી લેજે. બધું સહન કરી શકું પણ વાંઝીયા મેણું ન સહી શકું.”
આમ કહી મંગળા વહુએ નદીમાં પડતું મૂક્યું.
ગામનું માણસ પાછળ પાછળ દોડતું આવતું હતું.
એ બધાયે જોયું કે મંગળા વહુએ નદીમાં પડતું મૂક્યું છે.
દેકારો મચી ગયો. કોઈ દોડીને મેઘજીભાને ખબર આપી આવ્યું.
મેઘજીભા દોડતાં નદીકિનારે આવ્યા. જુએ છે તો પાણી વહે જાય છે. ક્યાંય મંગળા વહુનું શરીર દેખાતું નથી.
મેઘજીભાને ભયંકર આઘાત લાગ્યો. ધરતી ઉંપર ઢળી પડ્યા ને હૃદય બંધ થઈ ગયું. હાકાર મચી ગયો.
પોતાની પત્નીએ નદીમાં પડતું મૂક્યું. પિતાનું મૃત્યુ આનંદથી સહન થયું નહીં. તે આઘાત જીરવી ન શકાયો ને એનું મગજ છટકી ગયું.
પાગલ સો બાવો બની એકદમ ખડખડાટ દાત કાઢતો બોલવા લાગ્યો “ખતમ થઈ ગયું, બધું જ લુંટાઈ ગયું. હા…હા…હા….હવે…હવે મા ને દીકરી લહેર કરો…” મોટેથી દાંત કાઢતો આનંદ જે તરફ નદીનું વહેણ જતું હતું તે તરફ દોડવા લાગ્યો.
એક ઘડી-બે ઘડીમાં તો એક રમતું-જમતું કુટુંબ બરબાદ થઈ ગયું.
નજીવા કારણસરનો આવો કકળાટ અને કટુવચને પાયમાલી સર્જી દીધી.
પડતાં ઉપર પાટુ હોય તેમ જમાઈ પણ ઊંધા રવાડે ચડી ગયો. દુકાન ખતમ થઈ ગઈ.
મા-દીકરીને એક સમય ખાવાના વાંધા પડવા લાગ્યા. આટલું ઓછું હોય તેમ દીકરીના ર્યા હૈયે વાગ્યા. નણંદને આખા શરીરે રગદ વહેવા લાગ્યું.
ગામલોકો વાતો કરે છે.
કર્યા કર્મનો બદલો, અહીં ને અહીં જ મળે છે. જેવા કર્યા તેવા જ હૈયે વાગ્યા !
પારેવડી જેવી વહુને દુ:ખ આપવામાં કાંઈ બાકી રાખ્યું હોય તો ને ?
દીકરી ને મા બંને પસ્તાવો કરે છે. હાય…હાય…આ શું થઈ ગયું ? કહે છે ને કે અબ પછતાયે ક્યા ?, જબ ચિડીયા ફૂગ ગઈ દાને !
આ તરફ નદીમાં કૂદી પડવાથી પુષ્કળ પાણી પીવાઈ ગયું ને મંગળા બેભાન થઈ ગઈ.
બેભાન શરીર પાણીમાં તણાતું તણાતું ઘણે દૂર નીકળી ગયું.
એક ગામની ગોચર જમીનમાં એક ગોવાળીયો પોતાની ગાયો ચારો ચરે છે ને પોતે નદીના કિનારે વડલા નીચે બેઠો બેઠો પાવો વગાડે છે.
ત્યાં તો એની નજર મંગળાના તણાતા શરીર પર પડી. ને એકદમ જ ગોવાળીયો નદીમાં પડ્યો. હળવેથી શરીરને કિનારે લઈ આવ્યો.
જોયું તો બાઈ માણસ છે. ધીમી ધીમી નાડી ચાલે છે. ગોવાળીયાએ મંગળાના શરીરને ખભે નાખતા ને પાસે જ આવેલ સતીમાના આશ્રમે લઈ ગયો.
સતીમાને બધી વાત કરી.
જંગલની જડીબુટ્ટીઓ વાટી પાઈને મંગળા થોડા સમયમાં હરતીફરતી થઈ ગઈ. પછી એક દિવસ સતીમાએ મંગળાને પૂછ્યું, “દીકરી !
તું જરાય મુંઝાઈશ મા. આ તો મા આશાપુરાનો ખોળો છે. આ જગ્યાએ તો મનના મનોરથ પૂરા થાય છે. માટે જે કાંઈ હોય તે માંડીને વાત કરો. સૌ સારા વાના થશે.”
સતિમાના વાલભર્યા શબ્દોથી મંગળાના દિલને ટાઢક થઈ.
પોતાની માતાને કહેતી હોય એવા ભાવથી મંગળાએ સતિમાને બધી વાત કહી. રડવા લાગી. મંગળાને રડતી જોઈ સતિમા કહે, દીકરી !
રડ મા. આ તો બધા કર્મના ફળ છે.
એક ને એક દિવસ મનખા દેહે ભોગવવા જ પડે છે.
તારાય કાંક પરભવના કર્મ હશે તે આ ભવે તારા ઉપર દુ:ખ આવ્યા છે.
પણ દીકરી ! દુઃખી થઈશ નહીં. તું મા આશાપુરાનું વ્રત કર.
મનમાં આજથી સંકલ્પ કર હે મા ! હું આજ મંગળવારથી તારું વ્રત શ્રદ્ધા અને ભક્તિભાવથી કરીશ.
મારા મનના મનોરથ પૂર્ણ કરજે. મારી આશા પરિપૂર્ણ કરજે. દી કરી !
આમ સંકલ્પ કરી તારાથી જેટલા મંગળવાર રખાય તેટલા રાખ. ૯, ૧૧, ૨૧, ૩૧, ૫૧ થઈ શકે તેટલા મંગળવાર આ વ્રત કરી શકાય છે.
આમ કહી સતિમાએ આશાપુરાનો મહિમા કહી સંભળાવ્યો.
મહત્મ્ય કહ્યું ને વ્રતની વાર્તા કહી, વ્રતનું ઉજવણું કેમ કરાય તે બધી વાત કહી સમજાવી.
સતિમા પાસેથી આ આશાપુરાના વ્રતની અને ફળની વાત સાંભળી મંગળાને આશા બંધાઈ.
સતિમાને કહેવા લાગી, “મા ! હું આ મંગળવારથી જ નવ મંગળવાર સુધી મા આશાપુરાનું વ્રત રાખીશ.”
પછી તો મંગળાએ પછીના મંગળવારથી મા આશાપુરાનું વ્રત લીધું.
પૂરા ભાવ-ભક્તિથી, શ્રદ્ધા અને વિશ્વાસથી વ્રત કરે છે. આમ નવ મંગળવાર પૂરા થયા. મંગળાને આશા છે કે માતાજી મારી આશા પૂરી કરશે જ.
આ બાજુ મંગળાનો વર આનંદ પાગલ ભૂખ્યો ને તરસ્યો આ ગામથી પેલે ગામ ભટકે છે. એ રખડતો અથડાતો કૂટાતો અહીં આવે છે. મંગળા જોઈ જાય છે.
તુરત જ ઓળખી જાય છે. સતિમાને કહે છે, મા આ જ મારો પતિ !
સતિમા આનંદને આશ્રમમાં રાખે છે. થોડા સમયમાં ભા આશાપુરાની કૃપાથી આનંદ સાજો સારો થઈ જાય છે. ત્યારે બધી વાત કરે છે. મંગળા રડી પડે છે.
વા વાત લઈ ગયો ને મંગળાના ગામે ખબર પડી કે ફલાણા ગામમાં સતિમાના આશ્રમે આનંદ અને મંગળાવહુ હેમખેમ છે.
મા આશાપુરાની કૃપાથી આનંદને સારું થઈ ગયું ને મંગળાવહુ બચી ગયાં છે.
જાણ થતાં જ ગામ આખુંય ઉમટ્યું ઢોલ ને ત્રાંસા વગાડતું ને ભજન ગાતું આવ્યું સતિમાના આશ્રમે.
સતિમાએ બધાયને આવકાર આપ્યો પછી તો સતિમાની રજા અને આશીર્વાદ લઈ ગામલોકો વાજતે ગાજતે આનંદ અને મંગળાવહુને પોતાને ગામ લઈ આવ્યા.
આખાય ગામે એ દિવસે ઉત્સવ મનાવ્યો. મા વહલકુંવર અને નણંદ બેય વહુની માફી માગવા લાગ્યા. મંગળા વહુએ કહ્યું : વિધિના લેખને કર્મના ફળે જ આપણે દુ:ખી થયાં છીએ.
પરંતુ મા આશાપુરાની કૃપાથી અને માતાજીના વ્રતના પ્રભાવે જ મારી આશા ફળી છે. માતાજી તમારું પણ કલ્યાણ કરશે જ. પછી તો વાલકુંવરે ને નણંદે પણ આશાપુરામાનું ભુલથી વ્રત કર્યું ને નણંદ સાજી થઈ ગઈ.
જમાઈ પણ પોતાની પસ્તાવો કરવા લાગ્યા. આમ માતાજીના વ્રતના પ્રભાવે સૌની આશા પુર્ણ થઈ છે. માતાઓ અને બહેનો ! આવો પ્રભાવ છે મા આશાપુરા માના
વ્રતનો. હે આશાપુરા મા ! તમારું વ્રત કરનાર સૌની આશા પૂરજો મા.
બોલો આશાપુરા માત કી જય.
મા આશાપુરા વ્રતની વિધિ
આ વ્રત કોઈપણ મંગળવારથી કરી શકાય છે.
વ્રતના દિવસે સવારે વહેલા ઊઠી, નાહી-ધોઈ બાજોઠ કે પાટલા ઉપર આશાપુરા માની છબી મૂકી ઘીનો દીવો કરવો.
પછી અગરબત્તી પ્રગટાવી પાણીનો લોટો ભરી પાસે મૂકવો.
પછી માતાજીની સામે તેમનું ધ્યાન ધરવું.
આ દિવસે સાત્ત્વિક ફળાહાર લેવો. નવ મંગળવાર સુધી આ વ્રત કરવામાં આવે છે.
આ વ્રતથી સંતાનપ્રાપ્તિ, રોગમુક્તિ, આપત્તિ નિવારણ, મનપસંદ પાત્ર સાથે લગ્ન, નોકરી મળવી, ધંધાની મંદી દૂર થવી વગેરે ઘણાં શુભ ફળ મળે છે.