મહાશિવરાત્રી વ્રત કથા | Mahashivratri Gujarati

મહાશિવરાત્રી વ્રતની વિધી

મે મહિનાની વદ ચૌદશે આ વ્રત કરનારનો વૈકુંઠમાં વાસ થાય છે.

આ દિવસે ઉપવાસ કરવો અથવા ફળાહાર લેવો.

પ્રાત:કાળ બિલિપત્રો વડે શિવજીની પૂજા કરવી.

મહાશિવરાત્રી વ્રત કથા/વાર્તા

મહાવદ ચૌદશના દિવસે સવારે એક શિકારી વનમાં શિકાર કરવાં નિકળ્યો.

એ દિવસે મહાશિવરાત્રી હોવાથી પૂજા કરવા જતાં લોકો ભોળાનાથનું રટણ કરતા હતા.

એ જોઈ પારધી પણ શિવ-શિવ બોલવા લાગ્યો.

રોજ પાપ કર્મ કરનારા શિકારીથી અજાણતાં જ ભગવાનનું નામ લેવાયું.

તેથી તેના પાપનો ક્ષય થયો.

જંગલમાં જઈ શિકારી શિકારની શોધમાં રખડવા લાગ્યો, પણ ક્યાંય શિકાર ન મળ્યો.

સવારથી એણે કાંઈ જ ખાધું ન હતું. તેથી ભૂખ અને થાકથી ત્રાસીને એક સરોવરના કાંઠે ગયો.

સાંજ પડી ગઈ હતી. તેથી તેણે એવો વિચાર કર્યો કે હમણાં કોઈ પ્રાણીઓ અહીં પાણી પીવા આવશે.

હું તેનો શિકાર કરીને ઘરે લઈ જઈશ.

આમ વિચારી પારધી બિલિના એક વૃક્ષ પર ચડીને બેસી ગયો અને શિકારની રાહ જોવા લાગ્યો.

એ બિલિના વૃક્ષ નીચે એક શિવલિંગ હતું. શિકારીના હલનચલનથી બિલિપત્રો શિવલિંગ પર ખરતાં હતાં. તેથી શિવજીને ઘણો આનંદ થઈ રહ્યો હતો.

રાત્રીના પ્રથમ પ્રહરે મૃગલી સરોવરના કાંઠે પાણી પીવા આવી.

તેને જોઈને પારધીએ બાણ ચડાવ્યું.

ત્યાં તે મૃગલીને વાચા ફૂટી અને એ ખૂબ જ ગળગળા અવાજે શિકારીને વિનંતી કરવા લાગી કે હૈ ભાઈ…મારા પર દયા કર…ઘેર મારા બચ્ચાઓ મારી રાહ જોતા હશે.

એ માટે હું એકવાર ઘેર જઈને મારા બચ્ચાઓને ખવડાવીને હમણાં જ પાછી આવું છું પછી તું આનંદથી મારો શિકાર કરજે.

મૃગલીને આ રીતે બોલતી જોઈને શિકારીને ઘણી નવાઈ લાગી અને તેને ઘેર જવાની રજા આપી.

મોતના મોઢામાંથી છૂટેલી મૃગલી પાછી ફરે એવો જરાય પણ વિશ્વાસ ન હતો છતાં ગમ્મત ખાતર એણે મૃગલીને જવા દીધી અને આ તરફ શિકારીને ઊંઘ આવી જાય છે.

તે વૃક્ષની ડાળ પર પડખા ફેરવતો શિવ શિવ રટવા લાગ્યો.

રાતના બીજા પ્રહરે મૃગલીનો પતિ સરોવરના આરે પાણી પીવા આવ્યો.

પારધીએ બાણ મારવાની તૈયારી કરી ત્યાં તો મૃગને પણ વાચા ફૂટી અને તે કહેવા લાગ્યો કે હે પારધી હું સવારનો નીકળ્યો છું.

મૃગલી અને મારા બે નાના બચ્ચા મારી વાટ જોતા હશે. હું બધાંને હેત કરીને હમણાં જ પાછો આવું છુ .

શિકારીને ખૂબ જ લાગણી હતી તે મૃગની આવી દીન વાણી સાંભળીને શિકારીને તેના પર દયા આવી ગઈ અને તેથી તેણે મૃગને જવા દીધો.

ઘણીવાર થઈ જવાં છતાંય મૃગ કે મૃગલી એકેય પાછાં ફરતાં ન દેખાયાં ત્યારે એને પોતાની જ જાત પર ખીજ ચઢી કે શું કામ જવા દીધાં ?

અને તેથી રોષમાં ને રોષમાં તેણે બિલિપત્રો તોડીને શિવલિંગ પર ફેંકવા લાગ્યા.

છેક રાત્રીના ચોથા પ્રહરે એણે મૃગ-મૃગલી અને તેના બે નાના બચ્ચાંને લઈને આવતાં જોયા અને તે ચારેય એક સાથે મરવાની તૈયારી બતાવી ત્યારે શિકારીને થયું કે આ ચારેય પશુ હોવા છતાં તેઓ કેટલાં સાંચા બોલા અને એક બીજા ઉપર પ્રેમ રાખવાવાળા છે, અને હું તો માણસ જાત હોવા છતાં પણ કેટલો દુષ્ટ છું !

શિકારીએ એ ચારેયને જવા દીધા અને જીંદગીમાં ક્યારેય હિંસા ન કરવાનો નિર્ણય કર્યો. બરાબર એજ સમયે આકાશ માર્ગે એક વિમાન ઉતર્યું.

દેવદૂતે પારધીને અને ચારેય મૃગલાને વિમાનમાં બેસાડ્યા. મૃગલાઓ નક્ષત્ર લોકમાં વાસ પામી મૃગ શીર્ષ બન્યાં અને પારધી સ્વર્ગે ગયો.

હે ભાળાનાથ ! ઘાતકી પણ જો જાણ્યે અજાણ્યે તમારી પૂજા કરે તો પણ તમે તેના સર્વ પાપોનો નાશ કરો છો. તો તમારું વ્રત કરનારનું કલ્યાણ કરજો.

|| જય ભોળાનાથ ॥

Similar Posts